આઠમી મેના રોજ અમદાવાદ આખામાં જ્યારે વૈશાખી વાયરાઓ કાળઝાળ લૂ વરસાવતા હતા ત્યારે 'લોયોલા હોલ' ખાતે વાતાનુકુલિત હોલમાં વિચારોનું વૃંદાવન સર્જાયું હતું. ટાણું હતું ગુજરાત પ્રાંતના ઇસુસંઘીઓનું ત્રિવાર્ષિક સંમેલન. આ ટાણે એક અતિ દુર્લભ અને ઐતિહાસિક ઘટના ઘટી જે હતી "બિનઇસુસંઘીઓ
સાથે સહભાગીદારીથી કાર્ય" વિષય ઉપર પરિસંવાદ.
આ પરિસંવાદમાં કેટલાક યાદગાર દૃશ્યો ને સંવાદોનો શુભગ સમન્વય રચાયો.
એક, જ્યાં બે જણ ભેગા થાય તોયે આંખ અને કાન સતત લડતા હોય એવા લગભગ બસ્સો કરતા વધારે ખાંટુ (કેટલાક ખંધા પણ ખરા!)ઓનું એકસાથે હોવું.
બે, સ્ટેજ ઉપર હતા નામી, અનુભવી ને એમની સાથે કાર્ય કરી ચૂકેલા બિનઇસુસંઘી વિદ્વાન અને નિષ્ણાતોની પેનલ.
ત્રણ , હમેશાં વ્યાસપીઠ ઉપર બેસીને બોલવા માટે ટેવાયેલો આ સન્યસ્તગણ શ્રાવક બનીને પચાવવા અઘરા લાગે એવા સંવાદો રસ અને આતુરતાપૂર્વક સાંભળી રહ્યો હતો.
પ્રથમ બે બેઠકમાં જેમણે સહ્ભાગીદારીનો અનુભવ કર્યો છે એવા બને પક્ષોના અનુભવો ઇન્ટરવ્યુ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને એને આધારે નિષ્ણાતો દ્વારા ચર્ચા આગળ ધપાવવામાં આવી જેનો સૂર કંઈક આવો હતો;
સહભાગીદારી એટલે સમાનતા - નિર્ણય લેવાની પ્રક્રિયામાં, સત્તા અને જવાબદારીની વહેચણીમાં અને કાર્યની વહેચણીમાં એમ સંચાલનના દરેક તબક્કે બંને પક્ષે કાર્ય નિર્વિવાદરૂપે "આપણું" બનવું જોઈએ. ટૂંકમાં જ્યાં સમાનતા નથી, આપણાપણાની ભાવના નથી ત્યાં સહભાગીદારી નથી.
વાતાવરણ ખૂબ હકારાત્મક હતું અને આ સંવાદનું પરિણામ આવશે એમ લાગી રહ્યું છે. ઇસુસંઘીઓ સમયની સાથે તાલ મિલાવતા એક ડગલું આગળ દોડી રહ્યા છે.
આમ છતાં કેટલીક મર્યાદાઓ સામે આંખ આડા કાન કરવા હિતાવહ નથી.
સૌથી મોટી મર્યાદા ઇસુસંઘનું સંસ્થાગત માળખું છે જેમાં સત્તા અને જવાબદારી ઉપરથી નીચે તરફ પ્રસરી રહ્યા છે. અહી સહભાગીદારી ક્યાં અને કેવી રીતે હોઈ શકે એ પ્રશ્ન ખૂબ જટિલ અને પેચીદો છે.
બીજું, વ્યક્તિગત રીતે કેટલાક સુ:ખદ અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ઇસુસંઘીઓનો "ઈગો" હવા ભરાયેલા ફુગ્ગાની પેઠે એમના કદ કરતાં ઘણો વધારે છે. આ સંજોગોમાં સમાનતાની વાતો માત્ર "આર્મચેર ફિલોસોફી" બની રહેવાની સંભાવના નકારી શકાય નહિ.
તદુપરાંત, દરેક ક્ષેત્રમાં લાગુ પડતા 80:20ના સિદ્ધાંત પ્રમાણે અહી હાજર
રહેલામાંથી 80% ના વિચારો કાં તો આ વાતાનુકુલિત હોલની ઠંડક સાથે જ ધરબાઈ
જવાના અથવા તો તેઓ આવતા સંમેલન સુધી આ વિચારોને માત્ર વાગોળ્યા જ કરશે. એમની માટે કહેવાનું મન થાય કે "કથા સુણી સુણી ફૂટ્યા કાન તોયે ન લાધ્યું બ્રહ્મજ્ઞાન."
માત્ર 20 % એવા હશે જે દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ વિચારોને સુપેરે અમલમાં મુકીને ઇસુસંઘનું ભવિષ્ય રૂડું ને ઉજ્જવળ બનાવશે.
અંતે, ઇસુસઘીઓ સાથે સહભાગીદારી એટલે વિશાળ "ઇસુસંઘી પરિવાર"માં સામેલ થવાનું આમંત્રણ. આ તકને કેમે કરીને ચૂકવા જેવી તો નથી જ .
આજે વિશ્વ પરિવાર દિનને ટાણે પાર્થના ને શુભેચ્છાઓ એટલી જ કે આ "ઇસુસંઘી પરિવાર" હંમેશાં વિસ્તરતો ને વિકસતો રહે !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો