28 ઑક્ટો, 2013

ભાઈને ભટકાયો એક ભૂરીયો.

છેલ્લા બે દિવસથી એક અજાણ્યો યુવાન મારા નાનાભાઈને મળવા માટે આવતો હતો. ત્રીજા દિવસે વહેલી સવારે ભાઈ ઘરે મળી ગયા.
"કેમ છો સંજયભાઈ? મને ઓળખ્યો? હું ભૂરીયો સફરજનવાળો." ભૂરીયાએ ભાઈને નામથી બોલાવીને આશ્ચર્યમાં નાંખી દીધા.
"ઓળખાણ ન પડી દોસ્ત." ભાઈથી સાચી વાત કહ્યા વિના ન રહેવાયું.
"અરે ! હું ભૂરીયો. ભૂરીયો સફરજન વાળો. તમે મારી પાસેથી ઘણીવાર હિમાચલપ્રદેશના તાજા અને મીઠા સફરજન ખરીદયા છે." ભૂરીયાએ સંખવાણા પડ્યા વિના પોતાની ઓળખાણ આપવાનો પ્રયત્ન કર્યો.
"ઠીક છે. બોલો હું તમને શું મદદ કરી શકું ?" ઓળખાણ ન પડી હોવા છતાંયે ભાઈએ મદદ કરવાની તત્પરતા બતાવી.
"મારા દીકરાને દવાખાનામાં દાખલ કર્યો છે ને પાંચસો રૂપિયાની તાતી જરૂર છે. કોઈનીય દાઢીમાં હાથ નાંખવાનું મને ગમતું નથી પણ બીજીબાજુ દીકરાનું દુઃખ જોયું જતું નથી. બીજા તો કોની પાસે હાથ લાંબો કરું? માત્ર તમારે ભરોસે અહી સુધી અવ્યો છું." ભૂરીયાએ ચહેરા પર નાટકીય ઢબે ફેરફાર લાવીને રૂપિયા પાંચસોની માંગણી કરી.
"તો તો મારે તમને ચોક્કસ મદદ કરવી જ રહી પણ એ પહેલા તમે મને કોઈની ઓળખાણ આપી શકશો ?" એની વાત પર ભરોસો ને ખાતરી કરવા ભાઈએ એની પાસે ઓળખાણ માંગી.
"હા હા ચોક્કસ. રાજુભાઈ ઈસ્ત્રીવાળા મારા ખાસ મિત્ર છે." ભૂરિયાએ ઓળખાણ પણ આપી દીધી.

સદનસીબે ભાઈ રાજુભાઈને સારી રીતે ઓળખતા હતા એટલે તરત જ એમને ફોન કરીને વિગતે વાત કરી. એમની વાત સાંભળીને રાજુભાઈએ સ્પષ્ટ વાત કરી;" જો જો ભૂલથીય એની વાત પર ભરોસો મૂકતા. નાણાકીય વ્યવહાર તો ભૂલથી પણ ના કરતા. એક નંબરનો લબાડ છે લબાડ."


(સત્ય ઘટના પરથી)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...