'ઓટોએક્સ' અને 'ઓવરડ્રાઈવ' જેવા મેગેઝીનો ઘરમાં નિયમિત આવતા થયા પછી તથ્યને ઓટોમોબાઈલની દુનિયામાં ભારે દિલચશ્પી પડવા માંડી છે. બી.એમ.ડબલ્યુ.ની લેટેસ્ટ કન્સેપ્ટવાળી નેકસ્ટ જનરેશન ઇલેક્ટ્રિક કાર 'આઈ થ્રી'થી એ સુપેરે પરિચિત અને ભારે પ્રભાવિત છે. ઘડિયા બોલતા શીખે એ પહેલાં એ માત્ર કારનો લોગો જોઇને જ જાણીતી કંપનીનું નામ કહી દે છે અને કારના દેખાવ પરથી જ મોડેલનું નામ પણ આપોઆપ એના મોઢા પર આવી જાય છે. મારુતિ સુઝુકી, હોન્ડા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓના લોગો સીધાસાદા છે પણ પણ કેટલાક અઘરા લોગોને યાદ રાખવા માટે એ અસોશિયેસન ટેકનીકનો બખૂબી ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે મર્સિડીઝ બેન્ઝના લોગોને યાદ રાખવા માટે એ એનું જોડાણ સ્ટાર સાથે અને શેવરોલેના લોગોનું જોડાણ ચોકડી સાથે કરે છે.
એક માત્ર કંપનીનું નામ બોલવામાં એને તકલીફ પડતી હોય તો એ છે જાણીતી જર્મન કંપની 'ફોકસવેગન'. એનું કારણ સીધું છે એનાં લખાણ અને ઉચ્ચાર બંનેમાં ભેદ છે. જર્મનમાં ભલે એ લખાતું હોય 'volkswagen' પરંતુ જર્મનો એનો ઉચ્ચાર તો 'ફોકસવેગન' જ કરે છે. અધૂરામાં પૂરું એનો લોગો પણ અંગ્રેજી 'v' કે 'w' જેવો દેખાય છે. આમાં જ ભલભલા થાપ ખાઈ જતા હોય તો પછી તથ્યનું તો ગજું જ શું ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો