
આણંદથી વિદ્યાનગર સુધી કોન્ક્રીટના મકાનોનું બનેલું જંગલ ને ત્યારબાદ કરમસદ સુધી ફેકટરીઓની હારમાળા જોવા મળે. પરંતુ જેવું કરમસદ વટાવો કે સીમ વિસ્તાર શરૂ થઇ જાય. અગાસ પહોંચતા સુધીમાં તો હર્યાભર્યા ખેતરો જોઈજોઇને તનમાં ને મનમાં અનેરી તાજગી વ્યાપી વળે. બહુધા તમાકુ અને કેળના છોડથી ઘેરાયેલા ખેતરોને શેઢે શેઢે આંબો, લીમડો ને આંબલી ઠેર ઠેર ચોકી કરતાં જોવા મળે તો વળી એ ખેતરોને જોડતા ધૂળિયા રસ્તાઓ પર વડ અને પીપળો ધૂણી ધખાવીને બેઠા હોય. ચીકુડી, સીતાફળી ને જાંબુડો સીમની શોભામાં વધારો કરતાં હોય ને ક્યારેક ક્યારેક રાયણ પણ હાજરી પુરાવી જાય. બાવળીયાઓ તો ટ્રેન સાથે જાણે હરિફાઈમાં ન ઉતર્યા હોય એમ ઠેઠ સુધી સાથે ને સાથે રહે.
અગાસ સ્ટેશનની લગોલગ અગણિત વડના ઘેઘૂર વૃક્ષો આવેલા છે ને એની ઘટામાં આશ્રમ આવેલો છે. જેમજેમ ભાટીયેલ ભણી આગળ વધીએ એમએમ પ્રકૃતિ પોતાના રહસ્યો છતાં કરતી જાય. સ્ટેશન આવે એ પહેલા બિલકુલ રેલ્વેની લગોલગ લીમડાનું વન આવેલું છે. ઉનાળામાં એની ભવ્યતા આગળ મોટી મહેલાતો પણ પાણી ભરે. મન તો એવું થાય કે ઢોલિયો ઢાળીને ત્યાં જ આરામથી લંબાવી દઈએ. ભાટીયેલ જાંબુડાઓના મનમોહક વૃક્ષોથી ઘેરાયેલું છે. ચોમાસામાં એનો વૈભવ ચારેકોર ઈર્ષ્યા ફેલાવે કારણ એની એકેએક ડાળ જાંબુના લૂમખે લૂમખાથી લચી પડીને ધરતીને વંદન કરતી હોય. એમ થાય કે આ ગામનું નામ 'જાંબુડા' હોવું જોઈતું હતું.

ઐતિહાસિક નગરી ખંભાત એ છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી પછી ખંભાતનો અખાત શરૂ થઇ જાય છે.