31 ઑગસ્ટ, 2014

પ્રસન્ન્તાનું પ્રતિક વાંસ.

વાંસ કુટુંબનિયોજનમાં માનતા નથી. રાત્રે ન વધે એટલા દિવસે ને દિવસે ન વધે એટલા રાત્રે સતત વધતા જ જાય છે. મજાની વાત એ છે કે વાંસ એકલાઅટુલા રહેવામાં માનતા નથી પરંતુ, સાથે રહીને સયુંકતકુટુંબ પ્રથાનો મહિમા વધારતા જાય છે. વાંસને છોડ ગણવા કે વૃક્ષ એ ઝટ દઈને સમજાય નહિ પણ સાથે રહેવાને કારણે છોડ હોવા છતાંય એમની ઘટા એવી ઘેઘૂર બને કે ભલભલા વૃક્ષોને પણ ઈર્ષ્યા આવે.

ગુજરાતમાં વાંસદા અને ડાંગનાં જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે જેનું આયુષ્ય ચાળીસ વર્ષ સુધીનું હોય છે. જ્યાં સુધી વાંસ પર ફૂલ ન આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહીને પ્રસન્ન્તાનું પ્રતિક બની રહે છે. લગભગ ચાળીસમાં વર્ષે ફૂલો આવ્યા પછી એનું જીવન પૂરું થાય છે. જો કે એ ફૂલમાંથી જે ફળ બને એ જમીન પર પડવાથી તરત જ નવા વાંસનો જન્મ થાય છે. આમ, વાંસનું લીલુંછમ અસ્તિત્વ સતત  ટકી રહે છે. વાંસનાં પાન પાતળા અને લાંબા હોય છે જેનો આગળનો ભાગ ભાલાના ફણાની જેમ અણીયાળો હોય છે. 

વાંસ લીલો હોય ત્યારે તો ઉપયોગી હોય છે જ ને સૂકાઈ ગયા પછી પણ એની ઉપયોગીતા એટલી જ જળવાઈ રહે છે. વાંસનાં ફળ, ફૂલ, પાંદડા અને થડ બધું જ ક્યાંક ને ક્યાંક ખપમાં આવે છે. વાંસના લીલા પાંદડા પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. વાંસની કુમળી કૂંપણોમાંથી અથાણુ અને શાક બને છે. ડાંગ જિલ્લામાં લીલા વાંસનું તૈયાર અથાણું મળે છે. સૂકાયેલા વાંસ અસંખ્ય રીતે ઉપયોગી નિવડે છે. આદિવાસી ગામડાંઓમાં વાંસની પટ્ટીઓને ગૂંથીને કાચા મકાનોની દીવાલ બનાવવામાં આવે છે અને વાડાને સુરક્ષિત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત, બાંધકામ ઉદ્યોગમાં, મકાન બાંધવામાં ઈમારતી લાકડા તરીકે, ખેતઓજારો બનાવવામાં, પાટલા, હોડી, તરાપા, કમાનો, નદીનાળા પર પુલો, ફર્નિચર, સૂપડા, નિસરણી વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. વાંસમાંથી કાગળ બનાવવા માટે તેના માવાનો ઉપયોગ થાય છે. વાંસનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. વાંસમાંથી ઉત્તમ પ્રકારનો કોલસો મળે છે જે બેટરીમાં વપરાય છે. સાથે સાથે વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે.

વાંસને કલ્પવૃક્ષ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...