27 ઑક્ટો, 2014

હાવજનો જાણકાર હરયો.

ચિત્રોડ ગીર પહોંચ્યા પછી પહેલે જ દિવસે સાંજે અમે આથમણી કોર આવેલી હિરણ નદી જોવા નીકળ્યા. રસ્તામાં હરયો મળી ગયો એટલે તરત જ દોલતે એને પૂછ્યું; "કાં હરયા કાંઈ લોકેશન બોકેશન છે કે નહિ ? મે' માનને આપણે હાવજ બતાવવાના છે." 
"ના હોં, આજ તો જનાવરના કોઈ વાવડ મળ્યા નથી. ઘડીક ખમી જાઓ તો હમણાં ગોતી દઉં." હરયાનો આનંદ ને આત્મવિશ્વાસ માતા નહોતા.

એમની વચ્ચેનો સંવાદ સાંભળીને અમે બેય જણા મુંઝવણમાં મુકાયા કારણ, જંગલની વચાળે આવેલું ગામ પોતે જ સુંદર 'લોકેશન' હતું ને બીજું, જ્યાં અમે જઈ રહ્યા હતા એ હિરણનો કાંઠો પણ અમારે માટે તો દુર્લભ જગ્યા જ હતી. આથી વધારે સુંદર બીજું કયું 'લોકેશન' હોઈ શકે? બીજી વાત, એ બંને જણા કયા જનાવરની વાત કરતા હતા? અમને તો સિંહ જોવામાં જ રસ હતો. દોલત અમારી મુંઝવણને કળી ગયો એટલે તરત જ ફોડ પાડ્યો."ઈ તો અમારા સંકેત હતા. જનાવર એટલે હાવજ અને 'લોકેશન' એટલે એવી જગ્યા જ્યાં હાવજું જોવા મળે." 
ઓહ! એમ વાત છે." એમના કોડવર્ડ જાણીને મને આનંદ થયો. ખેર, હરયો ગયો તે ગયો એ રાતે તો ફરી દેખાણો જ નહિ.
  
બીજે દિવસે, સૂરજ આથમ્યો નહોતો ને હરયો આવી ચઢ્યો."એ હાલો સાહેબ, હમણાં ને હમણાં તમને હાવજના દર્શન કરાવી દઉં. હિરણની ઓલીકોર બગીચામાં હાવજું મારણ લઈને બેઠા છે." .
"જો હરયા, હમણાં તો નહાવાધોવાનું ને જમવાનું પણ બાકી છે. એ પછી જ મેળ પડે." એનો એકવડો બાંધો જોઇને મને એની વાત પર ઝટ વિશ્વાસ ના બેઠો એટલે એની વાતને મેં ટાળવાનો પ્રયત્ન કર્યો.
"ઠીક છે. જેવી તમારી મરજી. બાકી દુનિયાભરના માણસું ન્યાં ગાડીયું લઇ લઈને જાય છે. તમે રહી ના જાતા." આટલું કહીને હરયાએ પ્રાણીજગતનાં જાણકારની પેઠે સિંહોની દુનિયાની રસપ્રદ વાતો કરવા માંડી.

એની વાતો સાંભળીને મને એનાં જ્ઞાન ઉપર ભારે માન ઉપજ્યું ને મેં એના વખાણ કરવા માંડ્યા. "અરે આ તો, હાવજપારખું લાગે છે ને કાંઈ."
"ભાઈ, એ હાવજપારખું તો ખરો જ. પગીની ઘોડ્યે (જેમ) હાવજના પગલાં પરથી હાવજનું 'લોકેશન' ગોતી બતાવે. પણ, ગામમાં એને બધા બે કારણોથી 'હાવજગંધો' તરીકે ઓળખે છે. એક તો એને દૂરથી જ હાવજની ગંધ આવી જાય છે ને બીજું, અઠવાડિયે પંદર દા'ડે ઈ હિરણમાં ભૂચકો મારી આવે છે એટલે એના શરીરમાંથી પણ હાવજ જેવી ચોક્કસ ગંધ આવે છે." આમ કહીને દોલતે હસવા માંડ્યું.
"હાવજનો જાણકાર છે પણ માણહ હારે મેળ ખાતો નથી." દોલતે હરયાની અજાણી વાતો કહેવા માંડી.
"બત્રીહ વરહનો થ્યો તોયે હજી વાંઢો છે. છોડીયું જોઇને આઘો ભાગે છે એટલે એને કોઈ છોડી દેતુંય નથી. દિ આખો ગાંડાની ઘોડ્યે (જેમ) હાવજુંની કથા માંડ્યા કરે છે."

હરયાની હામે મેં જોયું પણ એના મોં પર આ વાતોની કોઈ અસર વરતાઈ નહિ એ તો એની દુનિયામાં જ મસ્ત હતો. જતાં જતાં એ કહેતો ગયો;"સાહેબ, રિસોટુવાળા હાવજ બતાવવાના બબે હજાર ઓકાવે છે મારે તમારી કનેથી કાણી પાઈએ નથી લેવી. વાળુ કરીને તૈયાર રહેજો. આવું ટાણું કોઈ દિ નહિ ભાળો."


ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...