18 ડિસે, 2014

આ તારા માટે છે.

રાત્રે અગિયાર વાગ્યે મેં ઘરનું બારણું ખખડાવ્યું. નાનાભાઈએ બારણું ઉઘાડ્યું. બીજે દિવસે પરીક્ષા હોવાથી એ હજી અભ્યાસ કરી રહ્યો હતો. લથડાતી હાલતમાં મેં ઘરમાં પ્રવેશ કર્યો ને અમારા રૂમમાં જઈને ગુપચુપ પથારી પાથરી દઈને સૂવા માટે ઝંપલાવી દીધું. થોડી જ વારમાં મારું શરીર ખેંચાવા માંડ્યું. શરીરમાંથી જાણે વિજળી પસાર થતી ન હોય એમ ઠેઠ પગથી માથા સુધી ઝાટકા વાગતા હતા. અભ્યાસમાં લીન ભાઈના વાંચનમાં વિક્ષેપ પડી રહ્યો હતો. શું થઇ રહ્યું છે એની એને સમજણ આવે એ પહેલાં તો ઉભા થઈને મેં બાથરૂમ ભણી દોટ મૂકી ને ત્યાં પહોંચું એ પહેલાં તો ઘરનો વાડો ઘટ્ટ પીળા રંગનાં પ્રવાહીથી રંગાઈ ચૂક્યો હતો. આલ્કોહોલ સાથે અમિષ્ટ આહાર બહાર આવી જવાથી મને નિરાંત થઇ ને હું શાંતિથી સૂઈ ગયો.

બીજા દિવસે આઠ સાડાઆઠે ઉઠીને વાડામાં ગયો તો ભાઈએ સાફસફાઈ કરી હોવા છતાં રહી ગયેલા કેટલાક ડાઘાઓ મારા કારસ્તાનની ચાડી ખાઈ ગયા હતા. હા, એ દિવસે હું બરોબર ઢીંચીને આવ્યો હતો. દિવાળી પહેલાનાં એ દિવસોમાં ઉદાર મિત્રોનો મને એવો સંગ મળ્યો હતો કે છેલ્લા દસેક દિવસથી હું મફતનું ચાખીને રોજ ઘરે આવતો હતો પરંતુ, એ દિવસે વધારે પડતું થઇ ગયું હતું. આજે તો બાપુજી બરોબર મેથીપાક આપશે એવા કાલ્પનિક ભય સાથે ગભરાતાં ગભરાતાં મેં ચા નાસ્તો કર્યો. દિવસ આખો વીતી ગયો પરંતુ, મારી ધારણા પ્રમાણે કોઈ અઘટિત બનાવ ન બન્યો. ત્યાર પછી બે મહિના વીતી ગયા ને નાતાલ નજીક આવી ગઈ. 

ચોવીસમીની રાત હતી. જમ્યા પછી  બનીઠનીને હું ઘરની બહાર નીકળવા જતો હતો ને બાપુજીએ મને બૂમ મારી;"અહીં આવ." 
ખલ્લાસ, આજે તો આવી જ બનવાનું એવા વિચારોથી કંપતો ને થરથરતો હું ઘરમાં પાછો વળ્યો.
"બાજુની રૂમમાં જઈને તિજોરીના નીચેના ખાનામાં જે વસ્તુ પડી છે એ લઇ આવ." એમણે મને આદેશ આપ્યો.
સુંદર રીતે પેક કરેલી એ વસ્તુને મેં ધ્રૂજતા હાથે ઉઠાવીને બાપુજીને આપી.
"આ તારા માટે છે." હળવેથી પેકિંગ તોડીને એમણે એ વસ્તુ મારા હાથમાં મૂકી.
"આર.એસ.?" મેં આંખો ચોળવા માંડી. આર.એસ.નું ચોથિયું બાપુજીએ મારા હાથમાં મૂક્યું હતું એ વાતને હું માની શકતો નહોતો.
"કાન ખોલીને સાંભળી લે. હવે પછી તારે ક્યારેય બહાર જવાનું નથી. તને ઈચ્છા થાય ત્યારે મને જણાવજે. હું વ્યવસ્થા કરી આપીશ. સમજ્યો!"

નાતાલની એ અનોખી ભેટ દ્વારા જીવનભર યાદ રહી જાય એવા પદાર્થપાઠને મેં હજીય ગાંઠે બાંધી રાખ્યો છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...