એ અરસામાં કરિશ્માઈ પ્રાર્થનાનાં વાયરા વહી રહ્યા હતા. બીજા વર્ષમાં ઉનાળાની રજાઓ પહેલા નગરાથી એક સંન્યાસી આ પ્રાર્થનાની ખાસ સમજણ આપવા માટે 'નોવિશિયેટ'માં એક અઠવાડિયા માટે આવ્યા હતા. શરૂઆતમાં તો અમને પ્રાર્થનાની નવી રીતથી આશ્ચર્ય થતું હતું ને એને અનુસરવામાં મનોરંજન પણ મળતું હતું. પરંતુ, ધીમે ધીમે અમે ટેવાઈ ગયા.
પદ્ધતિસરની તાલીમ મેળવીને અમે વ્યારા તાબાનાં ગામડાઓમાં રહેવા માટે ગયા. કુદરતને ખોળે વસેલા વાલોઠા નામનાં નાનકડા ગામમાં પંદર દિવસ માટે અમે બે જણે રોકાણ કર્યું હતું. સવારથી બપોર સુધી બાળકો સાથે સમય વિતાવવો, સાંજે ગામલોકોની મુલાકાત લેવી અને રાત્રે જમ્યા પછી પ્રાર્થનાસભાનું આયોજન કરવું એ અમારો નિત્યક્રમ. થોડા દિવસ પછી અમે ત્રણ દિવસ માટે રાત્રિ આરાધનાનું આયોજન કર્યું જેમાં ગામમાં જ રહેતા એક સાધ્વી પણ અમારી સાથે જોડાયા હતા. પહેલો દિવસ પૂરો થયો ને કથા અને કરિશ્માઈ એ બંનેનાં સમન્વયથી રચાયેલી પ્રાર્થનામાં સહભાગી બનવામાં ગામલોકોને ખૂબ રસ પડ્યો આથી બીજા દિવસે આજુબાજુનાં ગામલોકો પણ આ યાત્રામાં સામેલ થવા માંડ્યા. શ્રદ્ધાળુઓથી હકડેઠઠ ભરાયેલું પ્રભુમંદિર, સંગીતના સાધનો અને પૂરેપૂરી 'સાઉન્ડ સીસ્ટમ'ને લીધે અમને પણ ચાનક ચઢવા માંડી. દ્રષ્ટાંતકથા પૂરી થાય ને જેવું સંગીત સાથે ભજન શરૂ થાય કે તરત કેટલાક શ્રદ્ધાળુઓને એની અસર વર્તાવા માંડતી. સંગીતની ધૂન અને ગીતના આરોહ અવરોહ સાથે કેટલાક ઉભા થઇને હાથ ઉંચા કરીને ડોલવા માંડતા. કેટલાક ઘૂંટણભેર ચાલવા માંડતા તો વળી કેટલાક ઠેકડા મારીમારીને નાચવા માંડતા. બે ચાર જણ તો વળી રીતસરનું ધૂણવાનું જ શરૂ કરી દેતા. પ્રભુભક્તિમાં અમે એવા તો રમમાણ થઇ જતા કે રાતના આઠેક વાગ્યે શરૂ થતી પ્રાર્થના ખાસ્સી દોઢ બે કલાક ચાલતી ને સમય કેમનો વીતી જતો એનું અમને ભાન ન રહેતું.
ત્રીજા દિવસે રાતે અગિયાર વાગ્યે પ્રાર્થના પૂરી થઇ. અન્ય ગામનાં લોકો પાછા વળ્યા ને અમે કેટલાક જણે મંદિરની બહાર જ ઓટલા ઉપર બેઠક જમાવી. ત્રણે દિવસનાં સંસ્મરણો અમે વાગોળી રહ્યા હતા ને લગભગ પોણા બાર વાગ્યે બાજુના ગામનો એક યુવાન ડુંગર પરથી દોડતો દોડતો અમારી પાસે આવ્યો ને હાંફતાં હાંફતાં અમને કહેવા લાગ્યો;"તમે હમણાં જ મારી સાથે ડુંગર ઉપર ચાલો. વડપાડા ગામનાં બધા જ લોકો ત્યાં ઉપર ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યા છે." શું બન્યું હશે એનું અનુમાન કરતાં કરતાં સાધ્વી અને હું યુવાનની સાથે ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા. ઉપરનું દ્રશ્ય નિહાળીને ક્ષણવાર માટે હું તો હેબતાઈ જ ગયો. લગભગ વીસ કરતાં વધારે લોકો - યુવાન, યુવતીઓ, પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો - અજબ ગજબ ઢંગમાં પ્રાર્થના કરી રહ્યા હતા અને બાકીના ગામલોકો પણ ચિંતિત થઈને પ્રાર્થના કરી રહ્યા હતા. અજવાળું પ્રસરાવવા પૂરતા ફાનસ હતાં ને પીવા માટે પાણીનાં દેગડાઓ પણ હતા. બાકીની રાત ત્યાંજ ગાળવી એવું નક્કી કરીને આવ્યા હોય એમ લાગતું હતું.
વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે વડપાડા ગામની એક કિશોરીને રાતની પ્રાર્થના દરમિયાન પવિત્ર આત્માનો અનુભવ થયો હતો. પ્રાર્થના પૂરી થયા પછી ઘરે પાછા વળતી વેળાએ રસ્તામાં એણે જેને જેને સ્પર્શ કર્યો એ બધાને પણ એજ અનુભવ થયો ને લગભગ એજ સમયે એને પ્રભુનાં દર્શન થયાં ને ગુજરાતી આવડતું ન હોવા છતાં એ શુદ્ધ ગુજરાતીમાં આદેશાત્મક સ્વરમાં ગામલોકોને કહેવા માંડી;"જુઓ જુઓ મારો પ્રભુ મને દેખાઈ રહ્યો છે. એણે સફેદ વસ્ત્રો ધારણ કરેલાં છે ને અત્યારે મારી સાથે વાત કરી રહ્યો છે. એ આપણને ડુંગરની ટોચ ઉપર મળવા માટે બોલાવી રહ્યો છે. આપણે બધાયે ત્યાં જવું પડશે." ગામમાંથી ડુંગર પરનું ચઢાણ સીધું અને અઘરું હોવા છતાં બધા જ ત્યાં ટોચ ઉપર આવી પહોંચ્યા હતા ને અત્યારે પ્રાર્થના કરી રહ્યા હતા. સાધ્વી અને મેં એ બધાના માથા ઉપર એક પછી એક હાથ મૂકીને આવડે એવી પ્રાર્થના કરવા માંડી. બે એક કલાક પછી બધાને શાંતિનો અનુભવ થયો ત્યારે ઘણી બધી સમજાવટ પછી એમણે ડુંગર પરથી નીચે આવવા માટે તૈયારી બતાવી.
નીચે આવ્યા ત્યારે પરોઢ થઇ ચૂક્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો