8 જાન્યુ, 2015

અવસર હાજતે જવાનો.

ભિલોડા પાસે આવેલું મુનાઈ નામનું ગામ એ વડીલમિત્ર હીરાભાઈનું માદરે વતન. ચોપાસ ફેલાયેલી અરવલ્લીની ગિરીકંદરાઓની ગોદમાં વસેલું મિશ્ર વસ્તી ધરાવતું આ ગામ ખાસ્સું મોટું અને રળિયામણું છે. ગામમાં એમનાં બે ઘર. એક મહોલ્લામાં ને બીજું ઠેઠ ગામને છેવાડે. એમનાં ઘરનાં વાડામાં બેઠાં બેઠાં જ સીમનાં દર્શન થાય. સીમમાં થોડેક આઘે જઈએ એટલે પર્વતોની હારમાળા શરૂ થઇ જાય. એ બાજુ જવાનું થાય ત્યારે મારે એમને ત્યાનું રોકાણ લગભગ નક્કી જ હોય. સાંજે તો દિવસભરની રખડપટ્ટીને કારણે થાક્યાપાક્યા હોઈએ એટલે વાળુ કરીને તરત જ ખાટલા ભેળાં થઇ જઈએ. પણ, સવાર પડે ને મુનાઈ ને એની આસપાસ વેરાયેલું સૌંદર્ય મન ને મગજ પર કબજો કર્યા વિના કેડો ન મેલે.

ભળભાંખળુ થતાથતાંમાં તો આંખો ઉઘડી જ જાય ને પહેલું કામ જંગલે જવાનું હોય. ઘરમાં વ્યવસ્થા હતી તોયે હું સીમમાં જ જવાનો આગ્રહ રાખતો. હાડ થીજાવતી ઠંડીમાં પાણીથી છલોછલ ટીનીયું ધ્રૂજતા હાથમાં પકડીને હું ખાસ્સું દસેક મિનીટ ચાલી નાંખું એટલામાં સીમ પૂરી થઇ ગઈ હોય ને સમાધિ લગાવીને બેઠેલા ડુંગરો ચોમેર નજરે પડે. ઝાડવાંઓ તો લગભગ અદૃશ્ય જ પણ, ક્ષિતિજ સુધી પ્રવર્તતી ગાંડા બાવળની આણ એમની ખોટ વર્તાવા ના દે. આવા જ કોઈક બાવળીયા સાથે ઘડીભર મિત્રતા બાંધવાને ઈરાદે હું પાણી ભરેલાં ટીનીયાને હેઠું મૂકું ને કુદરતનો સાદ વેળાસર સંભળાય એની રાહ જોતો જોતો આસપાસમાં ફેલાયેલા સૌંદર્યને જાણીમાણી લેવાનો પ્રયત્ન કરી જોઉં. જેવો સાદ સંભળાય કે તરત જ ઘડીભરનો વિલંબ કર્યા વિના હું એજ બાવળીયાની હેઠે ઉભડક બેસી જાઉં ને નિરાંતે એ અવસરને માણવાની તૈયારી કરી લઉં. કુદરત કુદરતનું કામ કરે ને હું સમાધિ લગાવીને બેઠેલા ડુંગરોને નીરખ્યા કરું. સૂર્ય નારાયણનાં આગમનનો સમય થઇ ગયો હોય તો તો રંગ રહી જાય. ઘડી પહેલાનું આળસ મરડી રહેલું આકાશ બેઠું થઇ જાય ને વિવિધ રંગોથી સજાયેલા પોતાના બધા જ અંગોને એ રીતે ફેલાવે જાણે સૂર્યને પોતાના બાહુપાશમાં જકડી ન રાખવાનો હોય !

આવા અનહદ આનંદની અનુભૂતિ વચ્ચે પર્યાવરણમાં સમતુલા જળવાઈ રહે એવા પદાર્થનું આ પૃથ્વી પર અવતરણ થાય ત્યારે મારો એ આનંદ નિ:શક બેવડાઈ જાય અને એજ ક્ષણે મારી એ લાગણીઓને દોડીને પેલા ડુંગરાઓની ટોચ ઉપર જઈને જોરજોરથી ચિલ્લાઈ ચિલ્લાઈને વ્યક્ત કરવાનું મન થઇ આવે. આમછતાં, સમયની પાબંદીને ધ્યાનમાં લઈને હું ઝટપટ ઘર ભણી પાછો વળું. ઘરે પહોંચું એ પહેલાં જ હૂંફાળું ને નવશેકું પાણી તગારામાં રેડતા રેડતા  હીરાભાઈ દૂરથી બૂમ મારીને હસતાં હસતાં મને સંભળાવે;"ઓહો હો હો.......... આજે તો કંઈ ઝાઝી વાર લાગી ને તમને! "

"તે લાગે જ ને! ધૂણી ધખાવી હતી ધૂણી કારણ, ચોપાસ ખુલાસ હતી, મનમાં મોકળાશ હતી ને બેસવાની ફોરાશ હતી." હુંયે હસતાં હસતાં જ મારા અનુભવને સુપેરે વ્યક્ત કરી દઉં.  

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...