22 માર્ચ, 2013

યોસેફ મારા ગુરુ.

"ચાલો, પ્રભુના માનમાં રેલીએ આપણ ઉમંગ ગાન,
ગાઈએ પ્રભુનો જયજયકાર, આશ્રય દઈ એ સાચવે પ્રાણ."

ઘણે ભાગે પરમયજ્ઞની શરૂઆતમાં સરળ અને લોકભોગ્ય ઢાળમાં રચાયેલા ઉપરોક્ત ભજનથી પ્રભુમંદિર ગુંજી ઉઠે છે ને મને યાદ આવે છે એના રચયિતા શ્રી યોસેફ મેકવાન. એમની ઓળખાણ આપવી હોય તો એટલું કહેવું પુરતું છે; "સંપૂર્ણ બાઈબલ ગુજરાતીમાં જો સંપૂર્ણ બન્યું હોય તો એમાં એમનો પણ નોંધપાત્ર ફાળો." આખેઆખી 'સ્તોત્રસંહિતા' મૂળના ભાવોને યથાવત રાખીને રસાળ શૈલી ને લોકભોગ્ય ઢાળમાં ઢાળનાર એટલે શ્રી યોસેફ મેકવાન. આ ઉપરાંત કીર્તન સાગરના ભજનોમાં પણ એમનો સિંહફાળો કેમ કરીને વિસરાય!

માત્ર ખ્રિસ્તી સમાજમાં નહિ બલકે સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં એમના સહિત્યપ્રેમ ને પ્રદાનને કારણે એમનું સ્થાન મૂઠી ઉંચેરુ છે. કવિતાઓ, વાર્તાઓ, લઘુનવલ, હાસ્યલેખો બાળકાવ્યો ને બાળવાર્તાઓ એમ સાહિત્યના બધાય ક્ષેત્રોમાં ખેડાણ કરીને એ સતત છવાયેલા રહ્યા છે. સ્વ. શ્રી ઉમાશંકર જોશી એમના પદ્ય પર વારી ગયેલા ને એમને કવિવર (કવિઓમાં શ્રેષ્ઠ) કહીને સાવ અમસ્તા તો નહિ નવાજ્યા હોય ને !

અલબત, મારે મન તો શ્રી યોસેફ મેકવાન એટલે મૂઠી ઊંચેરા માનવી. એમની સાદગી ને એમનો સાલસ સ્વભાવ તો એમની વિદ્વતાનેય આંટી જાય એવા. રૂબરૂ મળવાનું થાય કે ઘરે જઈએ તો ઓળઘોળ થઈ જાય. અછો વાનાં કરે ને બધુંય નેવે મેલીને સુખ:દુખની સહજ પૃચ્છા કરે ને સાહિત્યની અલક મલકની વાતો કરે.

ભાગ મારા એટલા પ્રબળ કે એમના સાન્નિધ્યમાં ગુજરાતી સાહિત્યને ભલી પેરે જાણવાની, સમજવાની ને માણવાની દુર્લભ તક મનેય મળેલી. હા, એ મારા ગુરુ હતા. આવા મૂઠી ઊંચેરા માનવીને સાહિત્ય અકાદમીનુ ઉચ્ચ સન્માન પ્રાપ્ત થાય છે ત્યારે લગીરે આશ્ચર્ય નથી થતું.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...