જમવાનું બનાવવાની જવાબદારી આપણે બહુ સીફતપૂર્વક સ્ત્રીઓના માથા પર થોપી દીધી છે ને છતાંય મોટા ઉપાડે સ્ત્રીપુરૂષ સમાનતાના બણગા ફૂંકતા આપણી જીભ કયારેય સુકાતી નથી. આવી સમાનતાની વાતો કરનારા સજ્જ્નોમાં મારે મારો પણ સમાવેશ કરવો જ રહ્યો.
મારા વધતા વજન પાછળ જેટલી જવાબદાર મારી જીવનશૈલી છે એટલો જ જવાબદાર મારી સંગીનીના હાથમાં રહેલો "મિડાસ ટચ" પણ છે જ. કોઇપણ કાચી ખાદ્યસામગી એના હાથનો સ્પર્શ થયા પછી અદભૂત સ્વાદ ધારણ કરે છે. જમવાનું બનાવવું એ કળા છે અને એ સાધનાથી જ હસ્તગત થાય છે. સંગીતાને આ કળા વારસામાં મળી છે ને એમાં ભળ્યાં છે એની વરસોની મહેનત અને તપશ્ચર્યા. એનુ સીધુ પરિણામ એ આવ્યુ છે કે અસામાન્ય સંજોગો સિવાય અમારે બહાર જમવા જવાની જરૂરિયાત ક્યારેય ઊભી થતી નથી.
આથી જ દરેક ભોજન પછી તથ્ય ને હું બેય એનો દિલથી આભાર માનવાની એકેય તક ચૂકતા નથી. અલબત દરેક વખતે એનો જવાબ એક જ હોય છે; "એમાં આભાર શાનો માનવાનો ?"
જવાબદારી પોતાની છે એમ સ્વીકારવાની એની ભાવના પ્રત્યે પુરુ માન હોવા છતાંયે મારું મન હમેશા કોચવાય છે ને હું વિચારું છું કે વહેલા કે મોડા મારે બેમાંથી એક નિર્ણય લેવો જ રહ્યો;"કાં તો મારે સમાનતાની વાતો સદંતર બંધ કરવી રહી અથવા તો મારે પણ જમવાનું બનાવતા સત્વરે શીખવું રહ્યું."
આનંદની વાત એ છે કે મે બીજો વિકલ્પ પસંદ કરી દીધો છે ને એની ફળશ્રુતિરૂપે સવારની ચા બનાવવાના શ્રીગણેશ માંડી પણ દીધા છે. ને હવે લસણ ફોલવુ ને શાક સમારવું જેવી ક્રિયાઓમા હાથ બટોરવામાં મને પણ મજા પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો