16 જૂન, 2013

આ ધંધો તો ચાલે છે જબાન પર.

રેલ્વે સ્ટેશનની બહાર નીકળીને પહેલી ચોકડીથી જુના બસસ્ટેન્ડ ભણી થોડોક આગળ વધુ છું ને ચંપલ  વેચનાર એક પરિચિત ફેરિયાનો અવાજ સંભળાય છે. એના ખબરઅંતર પૂછવા હું ત્યાં બે ઘડી રોકાઈ જાઉં છું.
"દોસ્ત, ધંધો કેવો ચાલે છે ?"
"એકદમ જોરદાર ચાલે છે, સીઝન છે ને !" મલકાતા મલકાતા એણે જવાબ આપ્યો.
"આ ધંધો આટલા વરસથી ચાલે છે કેવી રીતે ?" મને એ જાણવામાં વધારે ચટપટી હતી.
"આ ધંધો તો ચાલે છે જબાન પર." પૂરા આત્મ વિશ્વાસથી એણે જવાબ આપ્યો પરંતુ આ જબાન એટલે શું ? મને કંઈ ગડ ના બેઠી. એટલામાં કેટલાક ગ્રાહકો આવ્યા ને અમારી વાત થોડી વાર માટે અટકી પડી. પછીની પાંચ જ મીનીટમાં મને સમજાઈ ગયું કે જબાન એટલે શું ?
જબાન એટલે મુખ્યત્વે ત્રણ બાબતો;
પ્રથમ, ગ્રાહકો સાથે સંબંધો નિભાવવા - ગ્રાહકોને આવકાર આપવામાં ને એમની સાથે વાતો કરવામાં એ યુવાનની જીભેથી મીઠાશ જરાય ઓછી થતી નથી.
બીજું, વાજબી અને પરવડે એવી કિંમત.
ત્રીજું, ગુણવતા સાથે કોઈ બાંધછોડ નહિ.
આ ત્રણ બાબતોને ગાંઠે બાંધીને એ યુવાને છેલ્લા પંદર વર્ષથી ફૂટપાથ પર જ ચંપલ વેચવાનો ધંધો આબાદ જમાવ્યો છે. એનાં શરીરની ત્વચાનો રંગ તડકો ખાઈ ખાઈને શુષ્ક ને શ્યામ થઇ ગયો છે. ગ્રાહકની નાડ પારખવામાં ને પારખવામાં એની આંખો ઊંડી ઊતરી ગઈ છે. વર્ષોની એકધારી આકરી મહેનતને કારણે એનું શરીર સાવ નખાઈ ગયું છે આમ છતાં એનાં બોલાયેલા શબ્દે શબ્દમાં મને ખુમારી વર્તાય છે - ખુમારી સ્વતંત્ર હોવાની, પોતાના પગ પર ઊભા હોવાની ને પોતાના કુંટુંબને ટેકારૂપ બનવાની.

એ સાહસિક યુવાનનું નામ છે દિલીપ પરમાર ને ગામ છે વડોદ. નવમા ધોરણ પછી ભણતરનું ગાડું આગળ દોડી શક્યું નહિ ને ત્યાર પછી નજીકનાં ગાળામાં જ માબાપ ની છાત્રછાયા ગુમાવી દીધી. ભણતર નહિવત  હોવા છતાંય ભાઈભાભીને ભારરૂપ ન બનવાની નેમ લીધી હોવાને કારણે એણે શરૂઆત કરી પાણી વેચવાથી. ત્યારપછી ખમણ વેચ્યા ને ફરસાણની દુકાનમાં પણ હાથ અજમાવી જોયો. થોડા વર્ષો પછી બજારની રૂખ પારખીને સ્વતંત્ર ધંધો શરુ કરવાનું નક્કી કર્યું. તે દિ ને આજ ની ઘડી દિલીપે પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.

આજે આ જ સાહસમાંથી ઊભા થયેલા પોતાના પાકા ઘરમાં દિલીપ કોઈનીય દાઢીમાં હાથનાંખ્યા વગર ખૂબ આનંદ અને સ્વમાનભેર જીવે છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...