21 સપ્ટે, 2013

અખરોટ ખાવ અખરોટ!

2006ની સાલમાં ભણતરની બીજી ઇનિંગ શરુ કરેલી ને એજ વર્ષે અમારી કોલેજના આચાર્ય શ્રી મોહનભાઈ પટેલના અંગત રસને લીધે દિવાળીની રજાઓમાં પૂરા દસ દિવસ સુધી સ્વામી ધર્મબંધુના સાંનિધ્યમાં રહેવાની તક સાંપડેલી. એમનો આશ્રમ પોરબંદરની નજીક નાનકડા ખોબા જેવડા ગામ પ્રાંસલાની ભાગોળમાં. સમાજકાર્યના ભાગરૂપે ત્યાં ગયા હોવાથી લગભગ દિવસ આખો અમે આજુબાજુના ગામોમાં વિવિધ પ્રવૃતિઓમાં વ્યસ્ત રહીએ પરંતુ વહેલી સવારે અને સાંજે સ્વામીજી સાથે અચૂક સત્સંગ થાય.

એમનો આશ્રમ એટલે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું જ નહિ બલ્કે શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એવી અનેકવિધ પ્રવૃત્તિઓનું નોખું ધામ. સિવિલ સર્વિસીસની પરીક્ષા પસાર કર્યા પછી એમને સન્યસ્ત જીવનનો રંગ લાગેલો એટલે ભવ્ય કારકિર્દીને નેવે મેલીને એમણે સ્વામી વિવેકાનંદને પગલે પગલે ચાલવાનું નક્કી કરેલું.


એમનો સ્વભાવ હસમુખો ને મળતાવડો. શરીરનો બાંધો મજબૂત અને કસાયેલો. પ્રખર ચિંતક ને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના એ માલિક. ધર્મની એમની વ્યાખ્યા ને વિભાવના વિશાળ અને રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી. દરેક ધર્મમાં ઉભરી રહેલા દંભ, પાખંડ, દેખાડાઓ અને ધર્મ ઝનૂનીઓ પ્રત્યે એમને ભારે ચીડ અને સૂગ અને એટલે જ એમના પ્રવચનોમાં એ નિર્ભયપણે ચાબખા વીંઝતા રહે.


એમનું વાંચન એટલું વિશાળ અને યાદશક્તિ એટલી તીવ્ર અને અદભૂત કે કોઈપણ વિષય ઉપર અવિરતપણે બોલ્યા જ કરે. વાતોના તાણાવાણા અદભૂત રીતે જોડે અને સાથે સાથે જે તે વિષય ઉપર વિદ્વાન અને ચિંતકોના નામઠામ સાથે અવતરણો ટાંકે. પુસ્તકનું નામ આવે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ એ અવતરણ પુસ્તકના કયા પાન ઉપર આવેલું છે એ છાતી ઠોકીને જણાવે ત્યારે તો વિસ્મયથી આંખો ફાટી જાય ને હૃદયમાંથી સહજ ઉદગાર નીકળ્યા વિના ન રહે; "વાહ ! શું અદભૂત અને જબરજસ્ત યાદશક્તિ છે!"

ત્રીજા જ દિવસે આવી અદભૂત યાદ્શાક્તિનું રહસ્ય જાણવા માટે એમની સાથે અંગત મુલાકાત માટેનો સમય માંગી લીધો અને થોડી આડીતેડી વાતો કર્યા પછી વધુ સમય વેડફ્યા વિના મારું મન મેં એમની આગળ ઠાલવી દીધું;"સ્વામીજી મારે પણ તમારા જેવી જબરજસ્ત યાદશક્તિના માલિક બનવું છે."


"બે વાત ગાંઠે બાંધવી પડશે." વાતમાં મોણ નાખ્યા વિના જ એમણે રહસ્ય છતું કરવાનું શરૂ કર્યું.
"એક, દિવસના પ્રથમ પહોરમાં ઊઠીને વાંચનની શરૂઆત કરો." મેં હકારમાં ડોકું ધૂણાવ્યે રાખ્યું.
"ને બીજુ, સવારમાં ત્રણ ચાર અખરોટ ખાવાની શરૂઆત કરો. આટલું કરશો તો તમે પણ થોડા જ સમયમાં પરિણામ મેળવી શકશો."
જાણે જગ આખું ન જીતી ગયો હોઉં એવા ઉત્સાહ સાથે એમનો અભાર માનીને મેં એમની વિદાય લીધી.

તે દી ને આજની ઘડી, પ્રથમ પહોરમાં ઉઠવાના સ્વપ્નાંઓ હું જોયા કરું છું ને જયારે જયારે અખરોટ ખાઉં છું ત્યારે ત્યારે સ્વામીજીને અચૂક યાદ કરું છું.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...