"તમારો દીકરો મોટો થઇને કશા કાંદા કાઢવાનો નથી." ઉપદ્રવી, ઉત્પાતિયા ને ઉધામતિયા બુલેટથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શિક્ષકે એની મા આગળ ભવિષ્યવાણી ભાખેલી. એમની વાત પણ સાવ પાયાવિહોણી તો નહોતી જ. બુલેટ "એટેન્શન ડેફીસીટ હાઇપર એક્ટીવીટી ડીસઓર્ડર" નામની બીમારીથી પીડાતો'તો ને એને લીધે જ ઠરીને બેસી શકતો નહોતો, જાણે એની વાંહે ભમરો ન ચોંટ્યો હોય!
એજ શિક્ષક આજે દુનિયા આગળ બુલેટની ગૌરવગાથા ગાથા ગાઈ ગાઈને પોરસાતા હોય તો નવાઈ નહિ ! કારણ, પોતાની એજ મર્યાદાને બુલેટે એકાગ્રતા અને ધીરજથી, ધગશ અને મહેનતથી બખૂબી પોતાની શક્તિમાં પલટાવી દીધી છે ને દુનિયાને મળી છે વિશ્વવિક્રમોની વણઝાર.
દુનિયા આખીને મોમાં આંગળા નખાવનાર ને પોતાના શિક્ષકની ભવિષ્યવાણી ને ખોટી ઠેરવનાર, બાવીસ બાવીસ ચંદ્રકોનો વિજેતા એ ભડવીર અમેરિકન તરણવીરનું નામ છે; માઈકલ ફ્રેડ ફ્લેપ્સ. કુદરતે એના શરીરનો ઘાટ જ એવો ઘડ્યો છે કે જાણે એ પાણીમાં રહેવા જ ન સર્જાયો હોય ! પગના પંજા ને ખભા પહોળાફફ, પગ ટૂંકા ને મશલ્સ મજબૂત. અલબત, એમાં એનું દ્રઢ મનોબળ ને અવિરત મહેનત ન ભળ્યાં હોત તો એણે કશુંય ધોળકું ધોળ્યું ન હોત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો