4 જાન્યુ, 2014

પહેલી નજરે પંચમઢી

પ્રવાસની ખરી મઝા તો પ્રવાસ પૂરો થયા પછી જયારે આપણે મિત્રો ને સ્નેહીઓ આગળ શાહી અંદાજમાં બણગા ફુંકવા બેસીએ ત્યારે આવતી હોય છે. "બોસ, અમે તો એક દિવસમાં વીસેક સ્થળ જોઈ નાંખ્યા." હકીકતમાં ત્યાં એટલા સ્થળ હોય પણ નહિ. ત્યારપછી ગોખેલા સ્થળોના નામ એક પછી એક એવી રીતે બોલવા લાગીએ કે સામેની વ્યક્તિ રીતસરની અંજાઈ જાય. આંખો ફાડીને અહોભાવથી આપણી સામે તાકી રહે ને આપણો અહં, આનંદ ને સંતોષ વધતો જાય. 

મારી દ્રષ્ટિએ મધ્યપ્રદેશમાં આવેલા હવા ખાવાના મથક પંચમઢીમાં માત્ર જોવા જેવું કે ફરવા જેવું કશું નથી બલ્કે એથી વિશેષ માણવા જેવું ને અનુભવવા જેવું બધું છે. પંચમઢી પહેલા પચાસએક કિમી દૂર આવેલા પીપરીયા નામના નાનકડા શહેરથી સાતપુડાની હારમાળાના આછા આછા દર્શન શરુ થઇ જાય છે જાણે ઘૂંઘટમાં છુપાયેલી નવોઢા ના હોય! જેમ જેમ નજીક આવતા જઈએ એમ એમ સાતપુડા પરનો ઘૂંઘટ હટતો જાય છે. મટકુલી નામનું ગામ આવતા સુધીમાં તો સાતપુડાની હારમાળા સોળ શણગાર સજેલી નવીનવેલી દુલ્હન જેટલી અદભૂત ને સુંદર દેખાય છે. હા, હવે હવાનો રુખ બદલાઈ જાય છે ને તમે પંચમઢીની નજીક આવી પહોંચ્યા છો એવો અહેસાસ થયા વિના રહેતો નથી. ઉછળતાં કૂદતાં ઝરણાં, ગાઢ જંગલો, અગાધ ખીણો, ઊંચા પર્વતો અને વન્ય પ્રાણીઓ તમારું સ્વાગત કરવા માટે ને તમને સાથ આપવા માટે તૈયાર છે. રસ્તો સાંકડો ને જોખમી વળાંકવાળો બની જાય છે. જેમ જેમ તમે ઉપર તરફ આગળ વધતા જાઓ છો તેમ તેમ શુદ્ધ પ્રાણવાયુ ફેફસાંઓને પાનો ચઢાવતો રહે છે. કુદરતનું અફાટ સૌન્દર્ય નિહાળીને દિલ ને દિમાગ બંને તરબતર થઇ જાય છે ને સ્વયંસ્ફૂરણાથી તમે ગાવા લાગો છો; "હો આજ મૌસમ બડા, બેઈમાન હે બડા...." જાણે કે કુદરતની સાથે એકાકાર થવા માટે, એને માણવા માટે ને એનો અનુભવ કરવા માટે તમે હવે તૈયાર છો. પંચમઢી - સાતપુડાની મહારાણી તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે.

પંચમઢી સાતપુડાના શિખરો પર ખાસ્સી ઉંચાઈ ઉપર આવેલી જગ્યા છે અને એનું નામ પાંચ મઢીઓ એટલે કે ગુફાઓ પરથી પડ્યું હોવાની લોકવાયકા છે. પંચમઢીમાં પ્રવેશતાંવેંત નાનકડી ચોકી આવે છે. ચોકી વટાવો કે તરત બજાર શરુ થઇ જાય છે. બજાર નાનકડું છે અને ખરીદવા જેવું ખાસ હોતું નથી એટલે ભીડભાડ પણ સરખામણીમાં ઓછી જોવા મળે છે.  હા, બજારમાં ઘણી બધી હોટેલો આવેલી છે. પરંતુ કુદરતને માણવાની ઈચ્છા હોય તો ત્યાંથી આગળ વધવું.  આગળ જતાં એક નાનકડું તળાવ આવે છે ને પછી તરત રસ્તાઓની ભૂલભૂલામણી શરુ થઇ જાય છે. ભૂલભૂલામણીમાં નૈસર્ગિક વાતાવરણમાં વસેલી છુટીછવાઈ હોટેલો અને રિસોર્ટ જોવા મળશે.  ખિસ્સાને પરવડે એમ હોય અને રહેવાની મઝા માણવી હોય તો રિસોર્ટમાં કોટેજની પસંદગી ઉતમ રહેશે. પંચમઢીનું વાતાવરણ શાંત અને ખુશનુમા છે. અલબત, મોડી સાંજથી ઠંડીનો ચમકારો વધવા માંડે છે ને નસીબ પાધરું હોય તો વરસાદી ઝાપટાની મોજ પણ માણવા મળે. જમવામાં ગુજરાતી થાળીનો દુરાગ્રહ હોય તો પસંદગીની તકો વ્યાપક છે. સ્થાનિક વાનગી માણવાની ઈચ્છા હોય તો રાજસ્થાનની 'દાલ બાટી'ની જેમ અહીના 'દાલ બાફલા' ને 'દાલ પાનિયા' ખૂબ વખણાય છે. આંગળા ચાટતા રહી જશો.

પંચમઢીનું વિહંગાવલોકન કર્યા પછી સમજાયું કે અહીંના નૈસર્ગિક વાતાવરણને મન ભરીને માણવું હોય તો ઓછામાં ઓછા ત્રણ દિવસ અને પગપાળા ફરવાની હામ હોવી જરૂરી છે. આમ તો ત્યાં જોવાલાયક સ્થળો ઘણાં બધા છે છતાં મુખ્ય સ્થળોને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય.

·         ધાર્મિક સ્થળો :
પંચમઢીમાં ધાર્મિક સ્થળો ઘણાં બધા છે. અત્ર, તત્રને સર્વત્ર - ખીણમાં, ગુફામાં, જંગલમાં ને પર્વતની ટોચ પર ભગવાનનો વાસ છે. શ્રદ્ધાળુઓને તો ચાર ધામની યાત્રાના દર્શન કર્યા જેટલો આનંદ ને સંતોષ જરૂરથી મળે ઉપરાંત બધી જગ્યાઓ કુદરતનાં સાન્નિધ્યમાં હોવાથી નાસ્તિકને પણ પરમતત્વની હાજરી અચૂક વર્તાય.

જટાશંકર અને મહાદેવની ગુફાઓ:
પર્વત પર આવેલી ગુફાઓ છે જ્યાં સતત વહેતા ઝરણાઓમાંથી પાણીનો અભિષેક થતો રહે છે. ભગવાન શંકરનો વાસ હોવાથી જગ્યાઓ જટાશંકર અને મહાદેવની ગુફાઓ તરીકે પ્રચલિત છે. ગુફાની અંદર પહોંચ્યા પછી નિરવ શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે.

ચૌરાગઢ :
બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે કે જ્યાં શિખરની ટોચ પર ભગવાન શિવજીનું મંદિર આવેલું છે. લોકમાન્યતા મુજબ અહી માનવામાં આવેલી દરેક માનતા વહેલી કે મોડી જરૂર ફળે છે આથી શ્રદ્ધાળુઓ માનતા પૂરી થયા પછી ત્રિશૂળની પ્રતિકૃતિ ભગવાનને ચરણે ધરાવે છે. પગપાળા જઈએ તો લગભગ ત્રણથી ચાર કલાક લાગે છે આમ છતાં પ્રકૃતિનો સહેવાસ હોવાથી થાકનો જરાય અનુભવ થતો નથી.

·         ઐતિહાસિક સ્થળો :
પાંડવોની ગુફા:
લોકવાયકા મુજબ ગુફાઓમાં પાંડવોએ એકાંતવાસ ગાળ્યો હોવાનું માનવામાં આવે છે. પર્વતની ટોચને કોતરીને ગુફાઓ બનાવવામાં આવી છે. ઉપર પહોંચ્યા પછી પંચમઢીનું દર્શન થાય છે.

કેથોલિક ચર્ચ:
..1892માં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલું ચર્ચ ફ્રેંચ અને આઈરીશ આર્કિટેકનો એક અદભુત નમૂનો છે. પેઈન્ટ કરેલા કાચ ચર્ચને સુંદરતા બક્ષે છે. ચર્ચની બાજુમાં પહેલા અને બીજા વિશ્વ યુદ્ધની યાદ તાજી કરાવતું કબ્રસ્તાન આવેલું છે.

ક્રાઈસ્ટ ચર્ચ:
.. 1857માં અંગ્રેજો દ્વારા ચર્ચ બાંધવામાં આવ્યું હતું. ચર્ચનું પવિત્ર ગર્ભગૃહ અને દેવદૂતોથી શોભતો ઘુમ્મટ ખૂબ આકર્ષક છે. દીવાલો પરના પેઈન્ટ કરેલા કાચ સૂર્યના કિરણોથી ઝળહળી ઉઠે ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાય છે. ચર્ચની ખાસિયત છે કે એના બાંધકામમાં એક પણ પીલ્લર જોવા મળતો નથી.

·         કુદરતી સૌન્દર્ય :
પ્રિયદર્શિની:
જગ્યાને 'ફોર્સીથ પોઈન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે 'ફોર્સીથ' નામના અંગ્રેજે 1857માં જગ્યા પરથી પંચમઢીની શોધ કરી હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ અંગ્રેજોએ જગ્યાને હવા ખાવાના સ્થળ તરીકે વિકસાવ્યું હતું.

હાંડી ખો:
મારી દ્રષ્ટિએ પંચમઢીમાં જો કોઈ જગ્યા સૌથી સુંદર હોય તો છે હાંડી ખો. જગ્યા પરથી બે પર્વતો વચ્ચેની અંગ્રેજી "વી" આકારની અગાધ અને અદભૂત ખીણ જોવા મળે છે. ઉપરથી નજર કરો તો તમારી નજર સીધી ત્રણસો ફૂટ નીચે જઈ પહોંચે છે.

જમુના ધોધ:
જગ્યા 'બી ફોલ' તરીકે પણ જાણીતી છે ને અહીંથી પંચમઢીમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પગપાળા ચાલતા જઈએ તો પ્રકૃતિનો અદભુત અનુભવ થાય છે અને સમય હોય તો પાણીમાં છબછબિયા  કરવાની ખૂબ મજા આવે છે.

અપ્સરા વિહાર:
શરૂઆતમાં અહી પાણી ખૂબ છીછરું છે આથી બાળકો અને કુંટુંબ સાથે નહાવાની મજા માણી શકાયઅહી પહોંચતા સ્વર્ગની અનુભૂતિ થાય છે. ઊંચા પર્વત પરથી ખળખળ વહેતું ઝરણું નીચે ધસી જવા મથતું હોય ત્યારે બાળકની જેમ કિલકારીઓ કરવાનું મન ના થાય તો નવાઈ!

ધૂપગઢ :
સાતપુડાની ટેકરીઓમાં શિખર સૌથી ઊંચું છે ને અહીંથી સૂર્યને ઉગતો અને અસ્ત થતો નિહાળી શકાય છે. ચારે બાજુ પ્રકૃતિનું અદભૂત સૌન્દર્ય વેરાયેલું છે. ટોચ પરથી જોવા મળતું નીચે જમીન પર પથરાયેલું સૌન્દર્ય અલૌકિક ને અદભુત છે. વૃક્ષોથી ઘેરાયેલા પર્વતો અને નયનરમ્ય ખીણોની વચ્ચેથી સૂર્યદાદા વિદાય લે છે ત્યારે જાણે સ્વયં પરમાત્માનો સાક્ષાત્કાર થતો હોય એવો અવર્ણનીય અનુભવ થાય છે.

આમ, પંચમઢી બધાય હિલ સ્ટેશનોમાં અલગ તરી આવે છે કારણ કુદરત હજી ત્યાં એનાં નોખા અંદાજમાં જોવા મળે છેશાંતિ, એકાંત અને નિરવતામાં ધર્મ, ઈતિહાસ અને નિસર્ગના ત્રિવેણી સંગમને મન ભરીને માણવા હોય તો પંચમઢી એક બેહતરીન જગ્યા છે. પરમતત્વની હાજરીમાં જાતને ઓળખવાની આવી તક બીજે ક્યાંયે મળે. ત્યાં હોવું એજ અગત્યનું છે ને બાકીની બધી બાબતો ગૌણ બનીને ખરી જાય છે.


ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...