પાંચ એક વર્ષ પહેલાં હું અમદાવાદની "બી.એસ.સી." નામની નામી અને જાણીતી 'એનજીઓ'માં કામ કરું. ધંધૂકાથી માંડીને પોરબંદર સુધી એટલે કે કાઠીયાવાડનો લગભગ પોણો ભાગ એ મારો કાર્ય વિસ્તાર. રાણપુર તાલુકામાં અવારનવાર જવાનું થાય અને ત્યાં જાઉં એટલે સાથી પ્રવિણ વાઘેલાને ત્યાં રાતવાસો કરવાનું સદભાગ્ય અચૂક પ્રાપ્ત થાય.
રાણપુર તાલુકાના નાનકડા વાલ્મિકી સમાજનું પ્રવિણ પ્રતિનિધિત્વ કરે. હોંશ અને સ્વમાન એનામાં ભારોભાર. સમાજ માટે મરી ફીટવાની ભાવના સો ટચના સોના જેવી શુદ્ધ ને એટલે જ આગેવાનીના ગુણો હોવા છતાં પંચાયતની ચૂટણીમાં એણે ક્યારેય નહોતું ઝંપલાવ્યું. જેવો પ્રવિણ એવું જ સાદું અને સરળ એનું ઘર અને એના ઘરવાળા.

અમારી વાતો ખૂટે એ પહેલાં તો સોળે કળાએ ખીલેલા ચંદ્રમા જેવા ગોળ મોટા બાજરીના રોટલા અને લસણીયા મરચાં અને સીંગતેલથી લથબથ રીંગણનો ઓળો તૈયાર હોય. તીખાશને કારણે નાક ને કાન લાલઘૂમ થઇ જાય તોયે સ્વાદ એવો કે આંગળીઓ ચાટ્યા જ કરીએ !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો