9 જાન્યુ, 2014

ગુરુદક્ષિણામાં ગુરુના ગુરુ બનવાની તક મળે ખરી !

1986માં જૂન મહિનામાં શાળા શરૂ થયાના બીજા દિવસે, અમે દસમા ધોરણના વિદ્યાર્થીઓ અંગ્રેજીના શિક્ષકની ચાતકની પેઠે રાહ જોતા બેઠા હતા. ત્યારે દસમું ધોરણ અભિમન્યુના સાત કોઠા પસાર કરવા જેવું અઘરું લાગતું કારણ એ વર્ષે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવા જવાનું થતું. એમાં અંગ્રેજી વિષય એટલે સૌથી અઘરો એવો પહેલો કોઠો. અમારામાંથી મોટા ભાગનાને અંગ્રેજી ભાષા પરગ્રહ જેવી અજાણી અને પરાયી લાગે એટલે એનાથી અમે દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ. આમ છતાં ઊંડે ઊંડે ઈચ્છા એવી કે કોઈ એવા માર્ગદર્શક અમારા જીવનમાં આવે જે  અમારો આ પહેલો કોઠો સરળતાથી પસાર કરાવી દે. 

નસીબ કેવા પાધરા હતા કે જે  શિક્ષકની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ જ શિક્ષક અમારા વર્ગમાં આવ્યા. એમનું નામ શ્રી વિલિયમભાઈ બાસીલભાઈ પરમાર. અંગ્રેજીમાં જેવો શેકસપિયરનો પ્રભાવ પડે એવો જ પ્રભાવ એમનો અમારી શાળામાં પડે કારણ આચાર્ય પછી ફાંકડું અંગ્રેજી બોલવામાં એમને કોઈ ન પહોંચે. શરીરનો બાંધો  મધ્યમ પણ ચહેરો ભારે પ્રભાવશાળી ને એમાંય કાળી ઘેરી દાઢી એમના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવે. આવ્યા એવા જ છવાઈ ગયા ને વરસ આખું એમની વિદ્વતા ને વિદ્યાર્થીઓને આત્મીયતાથી ભણાવવાની આગવી રીતથી છવાયેલા જ રહ્યા. કમનસીબે અંગ્રેજીની માયા મને ક્યારેય ન લાગી ને પરિણામે એમની વિદ્વતાથી હું હંમેશ માટે વંચિત જ રહી ગયો એ વસવસો જીવનભર રહેશે.

એ વાતને બરોબર સત્યાવીસ વર્ષના વહાણા વહી ગયા પછી ગઈકાલે મારા ઘરના ઉંબરે આવીને એમણે મારી પાસે ગુરુદક્ષિણાની માંગણી કરી. ગુરુદક્ષિણામાં ક્યાંક અંગૂઠો તો નહિ માંગી બેસે ને એવી નકામી કલ્પના કરીને હું ગભરાયો પણ જેવી એમણે સોશિયલ મીડિયા વિષે જાણવાની ઈચ્છા દર્શાવી કે મારો જીવ હેઠો બેઠો. લગભગ એક કલાક સુધી મેં એમને ફેસબુકનો  કેવી રીતે ઉપયોગ કરવો એના વિષે પૂરતી તાલીમ આપી. નવા વિદ્યાર્થીની જેમ આતુરતાથી એ શીખતા રહ્યા ને વર્ગ પૂરો થયા પછી ઉભા થયા ત્યારે એમનો ચહેરો જાણે હમણાં જ ચંદ્રની સફર પર જઈને ન આવ્યા હોય એવો ઝગારા મારતો હતો !

છુટા પડતી વેળાએ આભાર માનીને કહ્યું; "આજથી તું જ મારો ગુરુ." આ સાંભળીને હું તો હરખનો માર્યો ઉછળ્યો કારણ ગુરુદક્ષિણામાં મને ગુરુના ગુરુ બનવાની તક મળશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય !

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...