"થોડા દહીંની જરૂર છે. લાવી આપશો." સાંજે ચાલીને પછી સાડા છ વાગ્યે ઘરે પગ મૂક્યો કે સંગિનીની વિનંતી સંભળાઈ. અત્યારે સાંજના સમયે દહીંની વળી શું જરૂર પડી હશે એમ વિચારતા વિચારતા મેં તાત્કાલિક દુકાન ભણી ચાલતી પકડી.
પાછો આવ્યો ત્યારે એ રહસ્ય વધારે ઘેરું બન્યું કારણ, એમની આજુબાજુમાં વિવિધ વાનગીઓ બનાવવાની પુસ્તિકાઓ પડી હતી. સાથે સાથે ઘઉંનો લોટ, ગોળ, તેલ અને અખરોટ જેવી ખાદ્યસામગ્રી પણ હતી. આજે નહોતો કોઈ અવસર કે નહોતી કોઈ ઉજવણી છતાં આ બધી સામગ્રી ઘરમાં કોઈ નવી વાનગી બનવાની ચાડી ખાતી હતી. મનમાં ઘણાં બધા પ્રશ્નો ઘેરી વળ્યા હતા છતાં, મેં મૌન રહેવાનું ને જરૂર જણાય ત્યાં મદદરૂપ થવાનું મુનાસિબ માન્યું. અડધા કલાકમાં તો ઘઉં, ગોળ, તેલ, દહીં અને અખરોટનું મેળવણ તૈયાર થઇ ગયું. ને જમવા બેઠા ત્યાંસુધીમાં તો એ મેળવણ ગેસ ઉપર ધીમે તાપે શેકાવા માંડ્યું. અડધા કલાક પછી જયારે એનો મઘમઘાટ ઘર આખામાં પ્રસરવા માંડ્યો ત્યારે સમજાયું કે આ તો 'કેક' તૈયાર થઇ રહી છે.
જમ્યા પછી કલાકએક હું ને તથ્ય વાતોના વડા કરતા હતા ત્યાંસુધીમાં તો કેક ઠંડી પડીને તૈયાર પણ થઇ ગઈ ને ઉંઘવાની તૈયારી કરીએ એ પહેલાં તો સંગિની ડિશમાં ઘરે બનાવેલી ડેકોરેટેડ "વ્હીટ વોલનટ" કેક લઈને હાજર થઇ ગયા ને બોલ્યા; "આ લો હવે, તમારે માટે કેક તૈયાર છે."
"વાઉ, આવી સ્વાદિષ્ટ કેક ઘરે બનાવવી આટલી સહેલી હશે એતો મને આજે જ ખબર પડી." 'વ્હીટ વોલનટ કેક'ના ટુકડાઓને મોમાં ચગળતા ચગળતા મેં એમના દિલથી વખાણ કર્યા.