1 એપ્રિલ, 2014

ડાળે ડાળે વેરાયેલું સૌંદર્ય

મારા ઘરેથી પગપાળા બજારમાં જવાના બે રસ્તાઓ. એક રસ્તો સેંટ ઝેવિયર્સ શાળા પાસેથી વાયા આણંદ પ્રેસ થઈને જાય ને બીજો વાયા રેલ્વે કોલોની. ચૈત્ર મહિનામાં બેમાંથી જે પણ રસ્તે તમે જાઓ પલપલીયાંનું વૃક્ષ તમારું સ્વાગત કરવા માટે તૈયાર જ હોય. બારેમાસ સ્થિતપ્રજ્ઞ ને હાંસિયામાં ધકેલાયેલું રહેતું આ વૃક્ષ ફાગણ ને ચૈત્રમાં એની અદભૂત સુંદરતાથી તમારું ધ્યાન ખેંચ્યા વિના ન રહે. હોળીનો તહેવાર નજીક આવે ને આ વૃક્ષ જાણે સંન્યાસ ધારણ ન કરતું હોય એમ એક પછી એક એનાં બધા જ પાંદડાઓનો ત્યાગ કરી દે ને વળી પાછું અઠવાડિયા પંદર દિવસમાં જ એની ડાળ ડાળ ઉપર લીલાંછમ પલપલીયાં બેસવા માંડે ને એ વૃક્ષ એવું નવપલ્લવિત થઇ ઉઠે કે જાણે સોળ શણગાર સજેલી નવવધુ ના હોય ! ઉનાળાની બપોરે ગુલમહોર અને ગરમાળો પૂર્ણપણે પોતાના સૌંદર્યને પાથરતા હોય ત્યારે પલપલીયું પણ એ સૌંદર્ય સ્પર્ધામાં પોતાની હાજરી નોધાવી દે.

ફાગણમાં ધાણીખજૂરથી માંડ ધરાયા હોય ને ત્યાં જ લીલાંછમ પલપલીયાં નજરે ચઢવા માંડે. ચૈત્ર બેસતા બેસતામાં તો આ પલપલીયાં સૂકાઈને સોનેરી બની ગયા હોય. એ સોનેરી રંગની મધ્યે છુપાયેલું રહસ્ય શોધવા માટે અમે એવા આકુળવ્યાકુળ થઇ ઉઠીએ કે ઉનાળાની બળબળતી બપોરનો આકરો તાપ પણ અમારી એ હોંશને આડે ન આવી શકે. બપોરે બહાર નીકળવાની મનાઈ હોવા છતાં માબાપને ઉંઠા ભણાવીને પણ અમે ભેરુઓ પલપલીયાં ભણી દોટ મેલતા. નજીક પહોંચતાવેંત અમારો એક ભેરુ પથ્થરથી પલપલીયાંની ડાળને તાકતો ને જેવા સૂકા પલપલીયાં નીચે ગરવા માંડે કે અમે અમારા હાથના ખોબામાં એકેએક પલપલીયાંને ઝીલવાનો ભગીરથ પ્રયત્ન કરતાં. જયારે પલપલીયાં પૂરતાં પ્રમાણમાં એકઠા થાય ત્યારે લીમડાની છાયામાં જઈને નિરાંતે બેસતા. ત્યાં બેઠા પછી આ ઝીલેલા પલપલીયાંના ભાગ પાડવામાં આવે. ભાગે આવેલા પલપલીયાંઓનો અમે ખાવામાં અને કુવામાં નાખવામાં ઉપયોગ કરતાં.

નાના પતાકડા જેવા દેખાતા આ પલપલીયાંની બરોબર વચ્ચમાં એનું નાનકડું બીજ છૂપાયેલું રહેતું. છીપલામાંથી જાણે મોતી ના કાઢતા હોઈએ એટલા આનંદ અને કાળજીથી અમે આ બીજને બહાર કાઢતા ને પછી વાતો કરતાં કરતાં હોંશેહોંશે આરોગતા. તલના બી જેવો સ્વાદ ધરાવતું આ બીજ ખાવાની ખૂબ મજા પડતી. ત્યાર પછી જે પલપલીયાં વધે એને અમે કુવામાં નાંખવા માટે જતા એની પાછળની માન્યતા એવી કે જેટલા પલપલીયાં કુવાના પાણીને અડે એટલા પૈસા અમને એ દિવસે મળવાની સંભાવના પ્રબળ બની જતી. અહી શરત એ રહેતી કે પલપલીયું હાથના ખોબામાં ઝીલેલું હોવું જોઈએ ને બીજું એ આડુંતેડું કુવાની દીવાલને ક્યાંય અડ્યા વિના પાણીમાં પડવું જોઈએ જે ખૂબ અઘરું કામ હતું. આમાં અમારું કોઈ કૌશલ્ય કામમાં ન આવતું બલ્કે નસીબ પર આધાર રાખીને ઠોયાની જેમ બેસી રહેવાનું બનતું. આથી જયારે પલપલીયું અંદર જતું હોય ત્યારે અમારી ધીરજની કસોટી થઇ જતી. વજનમાં હળવું પલપલીયું હવામાં આમતેમ ફંગોળાતું રહેતું ને મોટેભાગે તો કુવાની દિવાલના પોલાણમાં જ ક્યાંક ભરાઈ જતું. માંડ માંડ બે પાંચ પલપલીયાં એ કસોટીમાંથી પાર ઉતરતા ને જેવા પાણીને સ્પર્શતા કે અમે હરખથી ઉછળી ઉછળીને ચિચિયારીઓ પાડતા.

કહેવાની જરૂર નથી કે બાકીનો આખો દિવસ અમને ક્યાંકથી બે પાંચ પૈસા જડી આવે એ આશામાં જ વિતાવી દેતા.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...