વાંચનમાં હું મશગૂલ હતો ને દીકરો દૂરથી બૂમરાણ મચાવતો દોડતો દોડતો મારી પાસે આવ્યો ને હોંશેહોંશે જાહેર કર્યું;"કમલ, આજે જમવાનું મેં બનાવ્યું છે. (આજકાલ મને નામથી બોલાવવાનું એને ભૂત વળગ્યું છે.) "શું વાત કરે છે દીકરા !" આશ્ચર્ય સાથે જેવું મેં બોલવા માટે મોઢું ખોલ્યું કે એણે ચમચી ભરીને દાળ મારા મોંમાં ઠાંસી દીધી. "વાહ, શું અદભૂત સ્વાદ છે!" એના દાવાની ચકાસણી કર્યા વિના જ મેં એના ઉત્સાહને વધાવ્યો આમ છતાં એ જાતે દાળ બનાવી શકે એ વાતમાં મને દમ નહોતો લાગતો એટલે ખાતરી કરવા માટે મેં એની મમ્મીને બૂમ મારી.
"હા, એની વાત અંશતઃ સાચી છે. દાળ બાફેલી હતી અને ડુંગળી અને ટામેટાં સમારીને હું વઘારવા જ જતી હતી ને તમારા લાડકવાયાએ આજે જમવાનું બનાવવાની જીદ પકડી. આનાકાની કરું એ પહેલાં તો એ ટેબલ લઈને રસોડાના પ્લેટફોર્મ પર ચઢી ગયો ને મેં સૂચના આપી એ પ્રમાણે કઢાઈમાં જરૂરી સામગ્રી અને મસાલા નાંખતો ગયો ને છેવટે એની જીદ પૂરી કરીને જ જંપ્યો." દીકરો જાણે ચાંદ પર પગ મૂકીને હમણાં જ પાછો ન આવ્યો હોય એટલી હોંશથી એમણે દીકરાના પરાક્રમને વર્ણવવા માંડ્યું. એમની વાત સાંભળીને અને પાંચ વર્ષનો દીકરો અત્યારથી જ સ્વાશ્રયના પાઠ શીખવા માંડ્યો છે એ જાણીને હું પણ હરખાયો.
બાપુજી શિક્ષક હતા અને એમનું થોડુંઘણું ઘડતર છાત્રાલયમાં થયું હતું એટલે ઘરના નાનામોટા કામ કરવામાં એમને ક્યારેય નાનમ નડતી નહોતી. રસોઈ બનાવવાનો એમને ભારે શોખ એટલે દર રવિવારે એમનાં હાથનો સ્વાદ અમને માણવા મળતો. ધીમેધીમે અમને બેય ભાઈઓને પણ વારસામાં એ કળા આપતા ગયા. પહેલીવાર જયારે કૂકરમાં બે સીટી વગાડીને વઘારેલી ખીચડી બનાવેલી ત્યારે હું પણ ભાવવિભોર થઇ ગયેલો. રસોઈની સાથે સાથે, પાણી ભરવું, ઘર, કપડાં અને શૌચાલયની સફાઈનો પણ એ અમારી પાસે આગ્રહ રાખતા હતા ને એને લીધે જ એકલા હોઈએ ત્યારે અમને ક્યારેય તકલીફ નહોતી પડતી.
દીકરો પણ એ જ વારસાને આગળ ધપાવી રહ્યો છે એ જાણીને આનંદ થયો. ઘડપણમાં એ અમારી ટેકણલાકડી બનશે કે નહિ એતો ભગવાન જાણે ! પરંતુ નાનાંનાનાં કામ કરવામાં જે રીતે હાથ બટોરી રહ્યો છે એ જોતાં લાગે છે કે એ સ્વાશ્રયી અને સ્વાવલંબી જરૂરથી બનવાનો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો