બરોબર અગિયાર વાગ્યે અમે સાપુતારા છોડ્યું ને લગભગ પચાસેક કિલોમીટરનો ઘાટનો અદભૂત રસ્તો કુદરતી સૌંદર્યને માણતાં માણતાં પસાર કર્યો. અલબત આ મુખ્ય રસ્તો હોવાથી સંકટ સમયે મદદ મળી રહે એની ખાતરી હતી. પરંતુ અહીંથી કુદરતના સાંનિધ્યમાં રહેવાના હેતુથી અમે વાંસદા ભણી જતો મુખ્ય રસ્તો છોડીને પીંપરી કાલીબેલ થઈને સોનગઢ જતો રસ્તો પસંદ કર્યો. ગાઢ વનરાજીથી ઘેરાયેલો વળાંકોવાળો પીંપરીનો ઘાટ ચઢતાં ચઢતાં જ અમને સમજાયું કે અમારી પસંદગી યથાર્થ હતી. રસ્તામાં મન થાય ત્યાં ગાડી ઉભી રાખીને અહીંનાં સૌંદર્ય અને સંસ્કૃતિને કચકડે કંડારવાનો પ્રયત્ન કર્યો ને આમ કરતાં કરતાં અમે લગભગ પોણા બે વાગ્યે કાલીબેલના ગાઢ જંગલમાં જઈ પહોંચ્યા.
ત્યાંથી બરડીપાડાના જંગલમાં પહોંચીને અમે અમારું ભાથું છોડવાનું નક્કી કર્યું. જમવા માટે અમે એક અજાણ્યું ઘર પસંદ કર્યું. બરોબર જંગલની વચ્ચે ખેતરની વચાળે આંબાના ઝાડ નીચે એક સુંદર ઘર હતું. ભરબપોરે આવી રળિયામણી જગ્યા જોઇને અમારી આંખો ઠરી ગઈ. જેવી ગાડી ઘર આગળ ઊભી રાખી કે અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે ઘરના બધા જ સભ્યોએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. જમવા માટે અમે ઘરની ઓસરી પસંદ કરી પણ ઘરનાં મોભી "તમારા જેવા અતિથિને એમ બહાર થોડા બેસવા દેવાય" એમ કહીને ઘરની અંદર લઇ ગયા.
વાંસ અને છાણમાટીમાંથી બનાવેલું એ વન બીએચકે ઘર હતું જેમાં રવેસી, સૂવાનો રૂમ અને રસોડાનો સમાવેશ થતો હતો. એ ઘરમાં ઘરવખરી ખપ પૂરતી જ હતી આમ છતાં એની સ્વચ્છતા અને સુઘડતા ઉડીને આંખે વળગતાં હતાં. જમતી વેળાએ અમારી પાસે પૂરતો ખોરાક હોવા છતાં એમણે અમને દેશી ચોખામાંથી બનાવેલો ભાત આગ્રહ કરીકરીને ખવડાવ્યો ને જમ્યા પછી રવેસીમાં બેસીને અમે એમની સાથે વાતોએ વળગ્યા. લગભગ કલાક પછી અમે એમની રજા લેવાનું નક્કી કર્યું ત્યારે એમણે અમને થોડી રાહ જોવાનું કહ્યું. પાંચ જ મિનિટની અંદર ઘરનો દરેક સભ્ય કોઈકને કોઈક વસ્તુ હાથમાં લઈને આવ્યો. એકના હાથમાં સુંડલો ભરીને તાજી મકાઈના સોનેરી ડોડા જણાતા હતાં, બીજાના હાથમાં મગફળી તો વળી ત્રીજાના હાથમાં સૂપડું ભરીને મઘમઘતા મહુડાના સૂકા ફૂલ હતા.
એમની હૂંફ, લાગણી અને ઉદારતાથી ધરાઈને અમે ભારે હૈયે એમનું ઘર છોડ્યું ત્યારે બરોબર ત્રણ વાગ્યે ધગધગતો સૂર્ય અમારી સામે એવી રીતે તાકી રહ્યો હતો જાણે કે અમને કહી ના રહ્યો હોય "અનુભવી લીધાંને આ ગામડાંના રહેવાસીઓ આદિવાસીઓનાં અજાણ્યા પરત્વેનાં નિસ્વાર્થ પ્રેમ, લાગણી ને ઉદારતા! ભગવાનનો પાડ માનો કે હજી એમને તમારા જેવા શહેરીજનોનો સંગ નથી લાગ્યો."
"બિલકુલ સાચી વાત છે દીકરા, આપણે જેમાં રહીએ છે એને "ટુ બીએચકે મકાન" કહેવાય જયારે આજે તેં જે જોયું અને અનુભવ્યું એને "વન બીએચકે ઘર" કહેવાય" તથ્યને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો એની મસ્તીમાં જ મસ્ત હતો.
"બિલકુલ સાચી વાત છે દીકરા, આપણે જેમાં રહીએ છે એને "ટુ બીએચકે મકાન" કહેવાય જયારે આજે તેં જે જોયું અને અનુભવ્યું એને "વન બીએચકે ઘર" કહેવાય" તથ્યને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો એની મસ્તીમાં જ મસ્ત હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો