8 એપ્રિલ, 2014

મારા બાપુના ગુરુજી એ મારા પણ ગુરુજી.

સિતેર એંશીના દાયકામાં શિક્ષણ ક્ષેત્રે 'સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ'નો અભિગમ હજીય હાવી ને પ્રવર્તમાન એટલે શિક્ષકો પણ છૂટથી એના પ્રયોગો કરે અલબત, એમાં હિત તો વિદ્યાર્થીઓનું જ હોય. નબળા વિદ્યાર્થીઓનો તો ખો જ નીકળી જાય છતાંય એમનાં ગુરુજી પ્રત્યેના માન અને આદરમાં રતીભારનો ફેર ન પડે. જીવનભર એમની સાથેના સંસ્મરણોને યાદ કરે ને એમાં કયા શિક્ષકના કેટલા ધબ્બા ખાધા એની ગણતરીઓનો ઉલ્લેખ કરવામાં આનંદ અને અહોભાવનો અનુભવ કરે.

બાપુજીનો આજ દાયકામાં શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ થયો ને પેલા અભિગમને એ પણ સુપેરે અનુસરતા રહ્યા. ઓગણીસો ને પંચોતેરની સાલમાં એમના હાથમાં પાંચમાં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીની અટક ખલિફા. બાપુજી એને ખલિફા તરીકે જ ઓળખે. ખલિફા ભણવામાં ઠીકઠીક ને એમાંય બાપદાદાનો ધંધો વાળ કાપવાનો એટલે સ્વાભાવિક રીતે એને કલમ કરતાં કાતર ચલાવવામાં વધારે દિલચશ્પી. મોટા ભાગના શિક્ષકોના હાથના સોટી અને ધબ્બા ખાધા પછીય એનો સંઘ કાશીએ ના જ પહોંચ્યો ને છેવટે કલમને રામરામ કરીને કાતરને કાયમ માટે હાથમાં ઝાલી લીધી.

પોલસન ડેરી રોડ પર ભાડાની દુકાનમાં પોતાનું સલૂન શરૂ કર્યા પછી એમણે બાપુજીને યાદ કરીને  ખાસ આમંત્રણ પાઠવેલું. પહેલવહેલી મુલાકાતમાં એમનાં ધબ્બાઓને યાદ કરીકરીને વહાલથી વાળ પર એવી કાતર ચલાવેલી કે બાપુજીને એમનું લગભગ વળગણ થઇ ગયેલું. દર મહિને અચૂક એમને ત્યાં પહોંચી જ જાય. અલબત, ગુરુજી પ્રત્યેના અહોભાવને કારણે એ ક્યારેય બાપુજી પાસેથી કામના બદલામાં વળતર ના સ્વીકારે. એક બે વાર આમ ચલાવી લેવાય પણ દર વખતે મફતના વાળ કપાવવામાં બાપુજીનું સ્વમાન ઘવાય એટલે નાછૂટકે એમને ત્યાં જવાનું બંધ કર્યું.

નિવૃત્તિ પછી તરત જ બાપુજીને લકવા લાગુ પડ્યો ને એમનું હજામને ત્યાં જવાનું બંધ થયું. મોટેભાગે ઘરે જ હજામને બોલાવીને વાળ સરખા કરાવી લે. પણ, ઘરની બહાર નીકળે તો હવાફેર પણ થાય એમ વિચારીને અમે બેય ભાઈઓએ એમને વારાફરતી ગાડીમાં બેસાડીને બજારમાં લઇ જવાનું નક્કી કર્યું. આવી જ રીતે એકવાર હું એમને લઈને ગયો ત્યારે એમણે ખલિફાને યાદ કરીને એમનું સલૂન શોધવાનો પ્રયત્ન કરી જોયેલો પણ કમનસીબે નહોતા અમને દેખાયા ખલિફા કે નહોતું દેખાયું એમનું સલૂન. એ દિવસે તો બીજી જગ્યાએ વાળ કપાવીને અમે પાછા ફરેલા.

ગઈકાલે ફરીથી  હું એમને લઈને ગયો. ગરમી વધારે હોવાને કારણે સંજોગોવશાત એસીની સગવડ ધરાવતા 'સુપર હેર સલૂન' સામે મેં ગાડી ઉભી રાખી. જેવા બાપુજી અંદર પ્રવેશ્યા કે એક જુવાને "આવો સાહેબ" કહીને મીઠો આવકાર આપ્યો. વાળ કાપવાનું શરૂ થાય એ પહેલાં જ બાપુજીએ ખલિફાને યાદ કરીને પેલા અજાણ્યા જુવાન સાથે અધીરાઈથી વાતચીત શરૂ કરી;"તમારી દુકાનની બિલકુલ સામે મારા વિદ્યાર્થીની દુકાન હતી. નામ એમનું ખલિફા. ક્યાં છે એ દુકાન ને ક્યાં છે ખલિફા?" ખલિફાનું નામ સાંભળતાવેંત જુવાનનો ચહેરો મલકાયો ને એણે જવાબ આપ્યો;"આ એમની જ દુકાન છે ને અમે બેય એમના દીકરાઓ છીએ. સામે હતી એ ભાડાની દુકાન હતી. દસેક વર્ષ પહેલાં એમણે આ દુકાન ખરીદીને અહી પોતાનું સલૂન શરૂ કર્યું. કમનસીબે, એ દુકાન શરૂ કર્યાને બીજા જ વર્ષે પચાસ વર્ષની ઉમરે બાપુજી અવસાન પામ્યા ને અમને ત્રણ ભાઈઓને આ ધંધો વારસામાં આપતા ગયા. એમણે ઉભી કરેલી શાખ ને અલ્લાતાલાની મહેરબાનીથી અમારો ધંધો ખૂબ સરસ ચાલે છે." એક બાજુ ખલિફા હવે નથી રહ્યા એનો રંજ બાપુજીના ચહેરા પર જણાઈ રહ્યો હતો ને બીજી બાજુ એજ હેત અને કાળજીથી એમનો દીકરો પોતાના વાળ કાપી રહ્યો હતો એનો આનંદ પણ છલકાઈ રહ્યો હતો.

વાળ કપાઈ રહ્યા પછી બાપુજીએ એ જુવાનની સામે સો રૂપિયાની નોટ ધરી. જુવાને પ્રેમથી એ નોટ પરત કરતાં કરતાં કહ્યું;"સાહેબ, તમારા પૈસા મારાથી ના લેવાય. મારા બાપુના ગુરુજી એ મારા પણ ગુરુજી. તમારા વાળ કાપવાની મને તક મળી એને હું મારું સદભાગ્ય સમજુ છું."

જુવાનની આ ઉદાત્ત ભાવનાને હું મનોમન વંદન કરતો રહ્યો ને બધા ગુરુજીઓને આવા શિષ્યોના દીકરાઓનો ભેટો થાય એવી પ્રાર્થના કરતો રહ્યો.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...