વાનગી જોઇને મનમાં કોઈ વિચાર ન આવ્યો. અલબત, ઢંગથી તો એ દક્ષિણ ભારતીય ઈડલી જેવું દેખાતું હતું પણ એનો રંગ આજે કંઈક જુદો લાગતો હતો એટલે હું કોઈ ધારણા કરી શક્યો નહિ. આમ છતાં, વટ ખાતર જવાબ આપ્યો;"ચાખી જોયા પછી ખબર પડે."
એ વાનગીને ચાખ્યા પછી હું મોંમાં આંગળા નાંખી ગયો. કુદરતી મીઠાશથી ભરપૂર એનો સ્વાદ કોકા જેવો થોડો કડવો હતો. સ્વાદથી તો ખબર ના પડી પણ સુગંધ પરથી તરત જ સમજાઈ ગયું કે એ મહુડાના ફૂલમાંથી બનાવેલી કોઈક અદભૂત વાનગી હતી. હું પ્રશ્નાર્થ નજરે એમની સામે તાકી રહ્યો.
એમણે મરક મરક હસવાનું શરૂ કર્યું ને પછી જાણે આ પૃથ્વીનો ઉદભવ કેવી રીતે થયો એનું રહસ્ય ઉકેલતા હોય એમ આ કઈ વાનગી છે ને એને કેવી રીતે બનાવી એનું રહસ્ય છતું કરવાનું શરૂ કર્યું. "ગઈકાલે સાંજે મહુડાના ફૂલ જોઇને મને વિચાર આવ્યો કે આનો ઉપયોગ ઘઉંના લોટ સાથે કરું તો એમાંથી નવા રંગ અને કુદરતી સ્વાદવાળી ઈડલી બની શકે જેમાં ખાંડની બિલકુલ જરૂર ના પડે. તમને બંનેને 'સરપ્રાઈઝ' આપવાના હેતુથી એ વિચાર અમલમાં મૂકી દીધો ને પરિણામ તમારી સામે જ છે."
"હા, એક નવો વિચાર ને એક નવી વાનગી." ગર્વથી એમણે મારી સામે જોયું.
"કહેવું પડે હોં. મને તો મહુડો શબ્દ સાંભળીને માત્ર એક જ વાત યાદ આવે પણ એમાંથી ઈડલી પણ બને એ તો આજે જ જોયું ને અનુભવ્યુ."
"હા, માત્ર ઈડલી જ નહિ પણ માલપૂડા, થેપલા ને લાડવા પણ બને અને એ પણ પાછા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ."
કહેવાની જરૂર નથી કે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઈડલીને મેં આજે જરૂર કરતાં વધારે ન્યાય આપ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો