ઇસુસંઘમાં પગરણ માંડવા એ મારા જીવનનો પહેલો વળાંક ને ત્યાંથી પછી બાર વર્ષે વળતા પગલાં ભરવા એ બીજો વળાંક. મારા જીવનના આ સુવર્ણ વર્ષો દરમિયાન ઘાટ એવો ઘડાયો કે હું અંતર્મુખીમાંથી બહિર્મુખી વ્યક્તિત્વનો સ્વામી બન્યો ને વિચારસરણીમાં ધરમૂળથી એવો ફેરફાર આવ્યો કે લોકાભિમુખ અભિગમ મારા અસ્તિત્વનો એક હિસ્સો બની ગયો ને હું સ્વના કોચલામાંથી ધરાર બહાર આવીને બૃહદ સમાજ વિષે સતત વિચારતો થયો.
એ પછીના ગાળામાં મને સહૃદયી સંગિની ને એવા જ નિખાલસ મિત્રોનો સંગાથ મળ્યો કે મારે તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો ને આમ શરૂ થયો મારા જીવનનો 'પ્લેટીનમ કાળ.' સહિયારા વિચારો અને મનોમંથન પછી અમે વર્ષ 2011માં 'સંગત'ને ઓપ ને આકાર આપ્યો. આમતેમ કેટલાક સમાજોપયોગી કાર્યો કર્યા પછી અમે વર્ષ 2013ના મે મહિનામાં ઝૂંપડપટ્ટીઓમાં વસતા બાળકો માટે ખાસ સમર કેમ્પ યોજવાનું નક્કી કર્યું.

ગીચોગીચ ગલીઓમાં માંડમાંડ મળતું માથું ટેક્વાનું ઠામ, ગૂંગળામણ થાય એવી ગંદકી, શ્વાસ રૂંધાય એવી વાસ, દારૂ જુગાર ને આંકડાની બદી, આડા સંબંધોની નીત નવી વાતો, કજિયોકંકાશ ને ઝગડો એ ઘર ઘરની રામાયણ - આવા સૂગ ને ચીતરી ચઢે એવા વાતાવરણમાંથી આવતા બાળકોને સંનિષ્ઠ નાગરિકો બનાવવાના લાંબા ગળાના ધ્યેય સાથે અમે શરૂઆત તો કરી પણ પહેલો જ અવરોધ અમને આર્થિક યોગનો મેળ બેસાડવાનો નડ્યો. રાતદિવસ એક કરીને અમે વહીવટી પ્રશાસન, વેપારીઓ અને ધંધાકીય એકમના માલિકોનો સંપર્ક કરી જોયો પણ મોટે ભાગે અમારી વાતો બહેરા કાને અથડાઈ. ઘણેભાગે તો અમને આ કામ ભલી પેરે પડતું મૂકવાની સૂફિયાણી સલાહો જ સાંભળવા મળી. આમછતાં અમે યાહોમ કરીએ ઝંપલાવી જ દીધું ને અથાગ મહેનત કરીને પહેલા પ્રયત્ને અમારું ગાડું નભાવી જાણ્યું ને બાળકોના સુખદ અનુભવો સાંભળ્યા પછી સતત અને નિયમિતપણે એમની સાથે કામ કરવાનું નક્કી પણ કરી જ દીધું.

ગયા વર્ષના કડવા અનુભવ પછી આ વર્ષે સાથ અને સહયોગ મેળવવા માટે અમે અમારા વ્યક્તિગત સંપર્કો પર મદાર બાંધીને આગળ વધવાનું નક્કી કર્યું. અમારા એ કાર્યમાં ટેકનોલોજીનો અમને ભરપૂર સહયોગ મળ્યો ને સોશ્યલ મીડિયાના રૂડા પ્રતાપે અમે અમારા સ્નેહીઓ, મિત્રો ને શુભેચ્છકો સુધી વેળાસર પહોંચી શક્યા. ઓળખીતા પાળખીતાઓનો ટેકો તો મળ્યો જ એ ઉપરાંત, અમારી કલ્પના બહાર અનામી ને અજાણ્યાઓ તરફથી પણ મદદનો ધોધ વહેવા માંડ્યો ને અમે ધાર્યા કરતાં વધારે સારી રીતે અમારી કામગીરીને પૂરી પડી શક્યા.
આ આખા ઘટનાચક્રને એક નજરે નિહાળવાનો પ્રયત્ન કરું છું ત્યારે સમજાય છે કે આ આખી વાત ઋણાનુબંધ સિવાય બીજું કશું જ નથી. આપણી વચ્ચેના સંબંધોના તાણાંવાણાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે ને સંકળાયેલા છે. સંબંધોના આ તાણાંવાણાં ઉત્તરોતર મજબૂત બનતા રહે એ જ અભ્યર્થનાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો