બપોરનું ભોજન તૈયાર થઇ રહ્યું હતું. દાદા છાપું વાંચી રહ્યા હતા ને પોણા ત્રણ વર્ષનો તથ્ય એમની સામે રમી રહ્યો હતો. એના હાથમાં પચાસ પૈસાનો સિક્કો હતો. દાદાનું ધ્યાન એ સિક્કા પર ગયું એટલે તરત જ એને સિક્કાથી રમવાની ના પાડી પરંતુ એમ સહેલાઈથી દાદાની વાત માની જાય તો એનું નામ તથ્ય શાનું? દાદાની વાતને ધરાર અવગણીને એણે એ સિક્કા વડે રમવાનું ચાલુ રાખ્યું.
થોડી જ વાર પછી એણે કોઈક કારણસર ઇકરાણ ને બૂમરાણ મચાવી દીધી. અમે બેય જણ અમારું કામ પડતું મૂકીને એની પાસે ગયા તો દ્રશ્ય જોઇને દંગ રહી ગયા. તથ્ય એનામાં હતું એટલું જોર લગાવીને કૂદકા મારતો મારતો રડમસ અવાજે કંઈક કહી રહ્યો હતો. એની એ હાલત જોઇને કશુંક અસામાન્ય બન્યું હોવાની મને શંકા ગઈ એટલે તરત જ મેં એને પૂછ્યું;"શું થયું બેટા?" "હું સિક્કો ગળી ગયો છું. હવે હું શું કરું? હવે મારું શું થશે?" એણે કૂદવાનું ચાલુ રાખતાં રાખતાં જ જવાબ આપ્યો. એનો જવાબ સાંભળીને મેં તરત જ એને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી જોયો પણ એની કોઈ અસર એની ઉપર થઇ નહિ. એની મમ્મી અને દાદા દાદી ચિંતામાં પડી ગયા એટલે છેવટે મારે ડોક્ટરને ફોન કરવો પડ્યો. ડોકટરે બને ત્યાં સુધી કેળાં ખવડાવતા રહીને બેત્રણ દિવસ ધીરજ ધરવાની સલાહ આપી. આ સાંભળ્યા પછી એ શાંત પડ્યો.
લાગલગાટ ત્રણ દિવસ સુધી અમે એને કેળાં ખવડાવતા રહ્યા ને સિક્કો બહાર આવે એની રાહ જોતા રહ્યા. રોજ સવારે અને સાંજે એ શૌચાલયમાં જાય ત્યારે એની મમ્મી નાનકડી લાકડી લઈને એની પાસે પહોંચી જાય. જેવી પોટ્ટી(મળ) બહાર આવે કે એ લાકડી વડે સિક્કો બહાર આવ્યો છે કે નહિ એની બરોબર તપાસ કરે. ત્રીજા દિવસે સાંજે અમારી ધીરજનો અંત આવ્યો. સિક્કો બહાર આવ્યો કે તરત જ તથ્ય વળી પાછો ખુશ થતો થતો ઊછળતો કૂદતો કાળો પડી ગયેલો સિક્કો બહાર લઈને આવ્યો ને અમને એવી રીતે બતાવવા લાગ્યો કે જાણે એને સોનાની સોનામહોર ના મળી હોય ! એને રાહત અનુભવતો જોઇને અમને પણ નિરાંત થઇ.
બરોબર આજ દિવસોમાં અમારા ઘરના વાડામાં એણે એક બિલાડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. બિલાડીએ જેવો શિકાર કરીને ઉંદરને ગળવાનું ચાલુ કર્યું કે તરત જ એણે તાર્કિક રીતે વિચારીને એની મમ્મીને અને મને કહ્યું;"જુઓ મમ્મીપપ્પા, પેલી બિલાડી જે ઉંદરને ગળી ગઈ છે ને એ ઉંદર બરોબર ત્રણ દિવસ પછી મારા સિક્કાની જેમ બિલાડીની પોટ્ટીમાંથી બહાર આવશે.મારી વાત સાચી છે ને ?" એટલું કહીને પ્રશ્નાર્થસૂચક નજરે એણે અમારી સામે જોયું એટલે મેં જવાબ આપ્યો;
"હા, દીકરા તાર્કિક રીતે તારી વાત બિલકુલ સાચી છે. સિક્કો જો તારા પેટમાંથી બહાર આવતો હોય તો ઉંદર પણ બહાર આવે જ ને !" આટલું કહીને હું ખડખડાટ હસવા લાગ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો