મારા ઘરની બિલકુલ સામે ખુલ્લી જગ્યા આવેલી છે ને એની બરોબર વચ્ચમાં એક ગોરસઆમલીનું ઝાડ આવેલું છે. એની સાથેનો મારો નાતો અને પરિચય એ બીજમાંથી અંકુર બનીને ધરતીમાની ગોદમાંથી બહાર આવી હતી ત્યારનો. બેએક વરસ પહેલાં ચોમાસાની ઋતુમાં ઝાડીઝાંખરાઓની વચ્ચે એના બીજને અંકુર ફૂટેલાં ને એજ ઝાડીઝાંખરાઓની ઓથ લઈને કોઈનેય ખબર ન પડે એમ ધીમેધીમે એ કાઠું કાઢતી રહેલી. આજે તો એ ખાસ્સી સમજણી અને પુખ્ત જણાય છે. બેએક મહિના પહેલાં એની પર ફૂલ બેઠાં ત્યારે એનો વટ જોવા જેવો હતો. અત્યારે એ ફૂલમાંથી મોંમાં પાણી લાવતા સર્પાકાર અને ભરાવદાર લાલલાલ ફળ (ગોરસઆમલીઓ) એવી રીતે લૂમે ને ઝૂમે લટકી રહ્યાં છે જાણે નવવધુના કાનમાં સોનાના ઝૂમખાંઓ ન લટકતા હોય !
બારેમાસ એકલી ને અટૂલી રહેતી એ ગોરસઆમલીના અસ્તિત્વની અત્યારે નોધ લેવાઈ રહી છે ને એનાં પદ અને પ્રતિષ્ઠા વધી ગયા છે. સવારસવારમાં મેના, લેલું ને પોપટ જેવા પક્ષીઓ કલરવ કરતાં કરતાં હળવેથી એના ફળ પર ચાંચ મારતા રહે છે. પૂંછડી પટપટાવતી ખિસકોલીઓ પણ દોટાદોટ કરતી કરતી લાગ શોધવાનો પ્રયત્ન કરતી રહે છે. સોસાયટીના બાળકો પણ આ શંભુમેળામાં પાછળ રહે ખરા ! એ બાળકો ઇકરાણ બૂમરાણ મચાવતાં મચાવતાં દિવસભર એનો છાલ નથી છોડતા. કેટલાક બાળકો પથ્થરથી એને તાકવાનો પ્રયત્ન કરે છે તો કેટલાક હોંશિયાર અને પહોંચેલા બાળકો વાંસની આંકોડી બનાવીને એની ઉપર સીધી તરાપ મારે છે. અલબત એનું થડ કાંટાળું હોવાથી ઉપર ચઢવાનો કોઈ પ્રયત્ન કરતું નથી.
ફળ ખાઈ લીધા પછી બાળકો એમાંથી નીકળતા નાનાંનાનાં કાળા બીજને સાચવી રાખે છે. કાળજીપૂર્વક જો એની છાલને કાઢવામાં આવે તો અંદરથી છીકણી રંગનું કવચ દેખાય છે જેને શુભ માનીને સાચવી રાખવામાં આવે છે. આ બીજ નકશા અને રંગોળી બનાવવામાં પણ છૂટથી વપરાય છે. એ ઉપરાંત એમાંથી સુદંર માળા પણ બને છે જેને શ્રદ્ધાપૂર્વક ભગવાનના ચરણોમાં ધરાવવામાં આવે છે.
આમ, એના નિસ્વાર્થ અને નિસ્પૃહભાવને કારણે આ ગોરસઆમલી ઝાડીઝાંખરેથી ભગવાનના ચરણો સુધી યાત્રા કરતી રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો