"અલ્યા, આવતીકાલે તમારે બધાયે એક એક જૂનાં મોજાંની જોડ અને બને એટલા જૂનાં કપડાનાં ડુચા લઈને આવવાનું છે." લખોટીઓ રમી રહ્યા પછી અમારા એક સાથીએ ફરમાન બહાર પાડ્યું. આને વળી મોજાં અને ડુચાની શું જરૂર પડી એમ વિચારતા વિચારતા હું બીજા દિવસે લીમડા નીચે આવેલા અમારા અડ્ડાએ પહોંચ્યો તો અમારો એ સાથી સોઈ અને દોરો હાથમાં લઈને અમારી રાહ જોતો બેઠો હતો.
જેવા સહુએ મોજાં અને ડુચા એના હાથમાં આપ્યા કે એણે એક પછી કટકાનો ડુચો વાળીને એને ગોળ આકાર આપવા માટે ચીવટપૂર્વક દોરી વીંટવા માંડી. ત્યારબાદ હાથમાં સમાઈ રહે એવો સહેજ નાનો દડો તૈયાર થયો એટલે મોજાનું વળ ચઢાવવાની શરૂઆત કરી દીધી. થોડી જ વાર પછી એના હાથમાં ક્રિકેટ રમવાનો મસ્ત મજાનો હાથે સીવેલો દડો તૈયાર હતો. હાથે દડો બનાવવાની એની એ આવડતને અમે આભા બનીને નિહાળતાં રહ્યા એટલામાં તો એણે અડધો ડઝન દડાઓ સીવીને તૈયાર કરી દીધા.
હાથે બનાવેલા આ દડાને અમે "લૂગડીયા બોલ" તરીકે ઓળખતા. ક્રિકેટનું રમવા માટે મસમોટું મેદાન દર વખતે હાથવગું હોય નહિ ને વળી સોસાયટીમાં કોઈના ઘરના કાચ ના ફૂટે એ બીકે ટેનિસના બોલથી ક્રિકેટ રમાય પણ નહિ. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જ "લૂગડીયા બોલ"ની શોધ કરવામાં આવેલી. કપડાનાં ગાભામાંથી બનાવેલા આ બોલથી અમે નિયમિત ક્રિકેટ રમતા હતા.

આમ અમે ગાભાના દડાથી સામેવાળાના ગાભા જ કાઢી નાંખતાં. કમનસીબે, એ વેળાએ અમને મેચ ફિક્સિંગનું ઝાઝું જ્ઞાન નહોતું નહિતર આજે અમે કરોડપતિઓ હોત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો