
મોટાભાગે એનું નામકરણ એના રંગને આધારે થતું જેમ કે લાલ, લીલી, પીળી, ભૂરી વગેરે વગેરે. આમાં સફેદ રંગની લખોટીઓ એટલે જાણે નાનકડાં મોતી. એના માન અને મૂલ્ય સૌથી વધારે આથી રમવા માટે એનો ભાગ્યે જ ઉપયોગ થાય. આ ઉપરાંત, કેટલીક લખોટીઓ એનાં કદ અને આકારને આધારે ઓળખાતી, જેમ કે કદમાં નાની લખોટી 'ટેણી', 'ટેણકી' કે 'ટીંચી' નામે ઓળખાતી તો વળી સામાન્ય કરતાં સુંદર તથા વધુ મોટી અને મજબૂત લખોટીને અમે 'કંચો' કહેતાં. મોટા ભાગે 'કંચા'નો ઉપયોગ દાવ લેવામાં એટલે કે અન્ય લખોટીઓને તાકવા માટે કરવામાં આવતો હતો આથી એને લખોટીઓનો રાજા કહી શકાય.


લખોટીઓની આવી જ બીજી એક રમત "ગબ્બીદાવ" તરીકે ઓળખાતી જેમાં મોટા ગોળ કુંડાળાની અંદર દડાના આકારનો એક નાનકડો ખાડો રહેતો જેને અમે "ગબ્બી" તરીકે ઓળખતા હતા. કુંડાળાથી લગભગ અઢી ત્રણ ફૂટના અંતરેથી ઉભડક બેસીને દાવ આપવાનો રહેતો. જે ભેરુ દાવ આપતો હોય એ બધી લખોટીઓને એકસાથે એક હાથમાં પકડીને કુશળતાથી ભોંયસરખી કુંડાળા ભણી ગબડાવતો. આમાંથી જેટલી લખોટીઓ "ગબ્બી'માં પડે એનો એ માલિક ગણાતો અને ત્યારપછી ત્યાંજ બેસીને એ બતાવવામાં આવેલી ચોક્કસ લખોટીને તાકતો. જો બતાવેલી લખોટી બહાર નીકળે તો એ જીતી ગયો ગણાય ને જો એને તાકવામાં નિષ્ફળતા મળે તો દાવ આગળ ચાલતો.
લખોટીઓની રમત આમ તો વ્યક્તિગત રમત હોવા છતાં આશ્ચર્યની વાત તો એ હતી કે એમાં પણ ટીમની જરૂર પડતી. એનું મૂળ કારણ એ કે મોટાભાગના ભેરુઓને રમવા કરતાં આ લખોટીઓને લુંટવામાં જ વધારે મજા આવતી. તમે આંખ મીંચીને લખોટીને તાકવામાં મશગૂલ હો ને બરોબર એ જ સમયે કેટલાક ભેરુઓ 'એ એ એ ......' સમુહમાં મોટેથી બોલતાં બોલતાં સમડી જેમ અચાનક છાપો મારીને છછુંદરને ઉઠાવે એમ લપક દઈને લખોટીઓ પર તૂટી પડતાં ને ગજા પ્રમાણે બધી જ લખોટીઓ લૂંટી લઈને ભાગી જતા. આ વેળાએ જો તમારી ટીમનો સભ્ય ત્યાં હાજર ન હોય તો તમારી લખોટીઓ ગઈ જ સમજો. કહેવાની જરૂર નથી કે એમાંથી જ સર્જાતું મહાભારતનું મહાયુદ્ધ.
આ મહાભારતના મહાયુદ્ધના મૂળીયા રોપવામાં અમારી ઉનાળાની રજાઓ તો ઝડપથી પૂરી થઇ જતી પણ એની અસરો કે આડઅસરો વરસભર જોવા મળતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો