1 જૂન, 2014

સહેજ માટે પનો ટૂંકો પડ્યો.

આમ તો સ્પર્ધા અને હરિફાઈઓથી હું સો જોજન દૂર ભાગુ છું. પણ, આ વેળાએ, "હરિફાઈમાં ભાગ લેશો તો હારશો કે જીતશો પણ તમારો ગજ ક્યાં સુધી વાગે છે એની તો ખબર પડશે ને છેવટે આત્મમંથન માટેની એક તક અનાયાસે ઉભી થશે." એમ કહીને સ્પર્ધામાં ભાગ લેવા માટે મારા સંગિનીએ મને માંડમાંડ તૈયાર કર્યો. એમની વાતને માનીને છેવટે 'કાકા કાલેલકર પ્રવાસવર્ણન સ્પર્ધા 2014'માં મેં ઝંપલાવી જ દીધું .

કરવાનું તો કશું હતું નહિ કારણ, જે મનમાં હતું એ તો ટુકડે ટુકડે કયાંક ને ક્યાંક નોંધી રાખ્યું હતું. અલબત, આ બધાને ભેગું કરતાં નાકે દમ આવી ગયો. ફેસબુક પર ફકરાઓ લખવા ને બે થી ચાર હજાર શબ્દોનો વ્યવસ્થિત નિબંધ તૈયાર કરવો એમાં આભ જમીનનો ફેર. આમછતાં, ચોટલી વાળીને બેસી ગયો અને યાદશક્તિને ખાસ્સી તકલીફ આપીને 'પહેલી નજરે પંચમઢી' નિબંધ તૈયાર કર્યો ને આયોજક શ્રી સુધીરભાઈને ઠેઠ છેલ્લા દિવસે ઇમેલ દ્વારા મોકલી આપ્યો. સામેથી જવાબ આવ્યો આ ફોર્મેટ નહિ ચાલે પીડીએફમાં કન્વર્ટ કરીને મોકલી આપો. રાત થોડી ને વેશ ઝાઝા. ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરીને 'ટ્રાયલ અને એરર' મેથડનો ઉપયોગ કર્યા પછી અડધી રાતે મને સફળતા મળી ત્યારે સ્પ્રિંગની પેઠે હું હરખના માર્યો ખુરશીમાં જ અડધોવેંત અદ્ધર ઉછળ્યો ને તાબડતોબ અંતિમ તારીખ ચૂકી જવાય એ પહેલાં જ ફાઈલ ફોરવર્ડ કરી દીધી.

આમ, પહેલો કોઠો મેં પસાર કરી દીધો. 'વરને વખાણે વરની મા' એ ન્યાયે હું પણ મારો લખેલો નિબંધ જોઇને હરખાયા કરતો હતો અને "ઓટો સજેશન"ની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે મારી જાતને, સ્નેહીઓ, મિત્રો, શુભેચ્છકોને એમ ગામ આખામાં કહી વળેલો કે પહેલો નંબર તો આ બંદાનો જ આવવાનો છે. આમ, કહેતી વેળાએ હું એ હકીકત ભૂલી જતો હતો કે આ એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી જેમાં જગતભરના ગુજરાતીઓ પોતાની કલમ લઈને કૂદી પડવાના હતા અને પોતાના અનુભવોને શબ્દનું રૂપ આપીને ગળાકાપ હરીફાઈને જન્મ આપવાના હતા જેમાં મારા જેવાનો કશો ગજ નહોતો વાગવાનો.

પ્રથમ નંબર મેળવવાની લાલસાનું એક કારણ એ હતું કે એમાં રોકડ પુરસ્કાર રૂપિયા એકાવન હજારનું ઇનામ પણ સામેલ હતું. જો આ ઇનામ લાગી જાય તો પછી ફરીથી ગાડી લઈને દક્ષિણ ભારતના પ્રવાસે નીકળી પડવાનો વિચાર પણ કરી જ રાખ્યો હતો જે અનુભવ આવતા વર્ષ માટે કામમાં આવે ને ફરીથી પુરસ્કારના માલિક બની શકાય. આમ, આ પુરસ્કાર મેળવવાનું નિરંતર ચાલુ રહે ને અમે સદાય પારકે પૈસે રખડતા જ રહીએ એવો પાકો અને જડબેસલાક વિચાર હતો.

બરોબર, ત્રણ મહિના પછી મુંબઈથી ફોન આવ્યો ને ફરીથી હું ખુશીના માર્યો અદ્ધર ઉછળ્યો પણ દુર્ભાગ્યે મારી એ ખુશી લાંબુ ના ટકી કારણ, ફોન કરનાર બહેને મારી કૃતિને પસંદ કરવામાં આવી છે એટલી જ માહિતી આપીને મુંબઈ સમારંભમાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવ્યું. એનો સીધો અર્થ એ હતો કે પ્રથમ ત્રણમાં મારું નામ સામેલ નહોતું. ખેર, જે થવાનું હતું એ થઇ ગયું ને મારા માટે આનંદ અને આશ્વાસનના સમાચાર એ છે કે 298 નિબંધોમાંથી માત્ર 28 શ્રેષ્ઠ નિબંધોની પસંદગી કરવામાં આવી છે જેનું સંકલન કરીને એક પુસ્તક બહાર પાડવામાં આવશે જેમાં મારી કૃતિ 'પહેલી નજરે પંચમઢી'નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

છેવટે એટલું કહેવાનું કે નિંભાડામાં બરોબર શેકાયા પછી જ જેમ માટલું પાકું બને છે એમ અનુભવોમાંથી પસાર થયા પછી જ કલમ પણ ઘડાતી જશે ત્યાંસુધી હું નિરંતર લખતો રહીશ. 

- પસંદગી પામેલી કૃતિ; "પહેલી નજરે પંચમઢી" http://kamalsangeet.blogspot.in/2014/01/blog-post_4.html.


ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...