1 જૂન, 2014

થોડું લીંબુપાણી સીકનજી.

જયારે જયારે ઈસ્માઈલ નગરમાંથી પસાર થવાનું થાય ત્યારે ત્યારે  હાજી અલ્તાફના પાનના ગલ્લે ઉત્તર ભારતના રહેવાસી અનવર હુસેન એમની લીંબુપાણી સીકનજીની લારી લઈને ઉભા હોય. શરૂઆતમાં તો આ ભાઈ માત્ર લીંબુપાણી વેચતા હશે એમ માનીને હું એ તરફ ઝાઝું ધ્યાન નહોતો આપતો. આમછતાં, સીકનજી શબ્દ મારા મનમાં હંમેશાં ઘૂમરાયા કરતો. મોટેભાગે ખાણીપીણીની લારીવાળા પોતાની કુળદેવી કે પછી અટક કે ગામનું નામ પાછળ લગાવતા હોય છે એટલે સીકનજી પણ એવું જ કોઈક નામ હશે એમ મેં માની લીધેલું. પણ તાર્કિક રીતે વિચારતાં લાગ્યું કે જો એમ જ હોય તો પછી એનું નામ સીકનજી લીંબુપાણી હોવું જોઈએ. એમાંવળી, એક બે વાર મેં એમને મોટી કોઠીમાંથી મોટા ચમચાથી પાણી કાઢતા જોયા ત્યારથી આ લીંબુપાણી સીકનજી શું હશે એ જાણવામાં ઝાઝો રસ પડવા માંડ્યો.

અપવાદ સિવાય બહારની ખાણીપીણીમાં હું રસ નથી લેતો એટલે ખાસ્સા લાંબા સમય સુધી એ રહસ્ય મારા મનમાં ને મનમાં ઘોળાતું રહ્યું. પરંતુ, ગઈકાલે મિત્ર રમેશે મને આગ્રહ કરીને ઉભો રાખ્યો ને એમના આગ્રહને માન આપીને મેં જીવનમાં પહેલીવાર લીંબુપાણી સીકનજી પીધું. આમજુઓ તો એ લીંબુ પાણી જ છે, પણ એની જે વિશેષતા છે એ એમાં રહેલા બરફમાં રહેલી છે. મોઢામાં મૂકતાવેંત એ બરફ ઓગળી જાય છે ને એક અનેરી લાગણીનો અનુભવ થયા વિના રહેતો નથી. બીજી એની વિશેષતા એમાં ઉમેરવામાં આવતો ખાસ ઘરે તૈયાર કરવામાં આવતો મસાલો.

અનવરભાઈ સાથે વિગતે વાત કરતાં જાણવા મળ્યું કે એ વિશિષ્ટ બરફ અને ખાસ મસાલાના મિશ્રણને જ સીકનજી તરીકે ઓળખવામાં આવે છે. રોજ સવારે સાત વાગ્યે તેઓ બજારમાંથી બરફ લઇ આવે છે ને ઘરે આવ્યા પછી આઠ વાગ્યે સીકનજી બનાવવાનું કામ શરૂ કરી દે છે. સૌથી પહેલાં એ બરફને તોડીને એમાં થોડું આખું મીઠું ઉમેર્યા પછી કોઠીની આસપાસ જમાવી દે છે. ત્યારપછી લગભગ સો ગ્લાસ જેટલું ખાંડવાળું પાણી અને થોડો ખાવાનો સોડા કોઠીમાં નાંખે છે ને પછી એને સતત હલાવ્યા કરે છે. લગભગ બે કલાક પછી એમાં બરફ જામી જાય છે. એ બરફમાં લીંબુનો રસ અને ખાસ મસાલો ઉમેરીને ગ્રાહકને પીરસવામાં આવે છે.

સીઝનમાં સવારના દસથી રાતના આઠેક વાગ્યા સુધીમાં અનવરભાઈ સો ગ્લાસ સીકનજી આરામથી પૂરું કરી દે છે. આમ તેઓ ખર્ચો બાદ કર્યા પછી દિવસના લગભગ ચારસો રૂપિયા આરામથી કમાઈ લે છે જેમાં તેઓ પોતાના નાનકડા કુટુંબનું આરામથી ભરણપોષણ કરી શકે છે.

ઉનાળાની ભરબપોરે કે પછી સમી સાંજે કોઠો ટાઢો કરવા માટે આ લીંબુ પાણી સીકનજી પીવાની મજા માણવા જેવી ખરી હોં!

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...