23 જૂન, 2014

સ્વપ્નાંઓ લો કોઈ સ્વપ્નાંઓ.

બે હજારની સાલમાં એક મહત્વકાંક્ષી અને સ્વપ્નદ્રષ્ટા યુવાન રેલ્વે કોલોનીમાં અથાણાં અને પાપડના પેકેટ્સનો પથારો પાથરીને ઉભો રહેતો હતો. મજાની વાત એ હતી કે એ પેકેટ્સ વેચતી વેળાએ એ યુવાન જાણ્યાઅજાણ્યા રાહદારીઓને 'મર્સિડીસ બેંઝ' જેવી મોઘીદાટ કાર ખરીદવાની પોતાની મહેચ્છાને વ્યક્ત કર્યા વિના રહેતો નહોતો.
"પાપડ અથાણાં વેચી ખાવાથી શું વળવાનું ? ને એમાંય આ અંબાણીનો અવતાર તો મર્સિડીસ બેંઝ ખરીદવાનાં સ્વપ્નાંઓ જુએ છે." કહેવાની જરૂર નથી કે મોટા ભાગનાને એની વાતો ઘનચક્કર અને માથા ફરેલ વ્યક્તિ જેવી અશક્ય અને અસંભવ જણાતી હતી. એમની વાતોને અવગણીને એ યુવાને પુરુષાર્થની કંઠી બાંધીને પ્રારબ્ધને ટક્કર આપવાનો મક્કમ નિર્ધાર કર્યો. અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવા છતાં અને શિક્ષક દંપતિનું સંતાન હોવા છતાં ઘરે ઘરે ફરીને સતત પાંચ વર્ષ સુધી પાપડ અથાણાં વેચવાનું ચાલુ રાખ્યું. લોકો વચ્ચે અને બજારમાં સતત રહેવાને કારણે છેવટે એને પોતાનામાં રહેલી અખૂટ શક્તિઓ અને આવડતોનો ધીમેધીમે ખ્યાલ આવવા માંડ્યો ને ભાવિ દિશા પણ અનાયાસે જ જડવા માંડી. સ્થાનિક લોકોની જરૂરિયાતો અને પોતાનામાં રહેલી માનવ સંબંધો વિકસાવવાની આવડતને કારણે છેવટે એણે જીવનવીમાના સલાહકાર બનવાનું મનોમન નક્કી કરી લીધું.

પહેલાં જ વર્ષે 'મેક્સ ન્યુયોર્ક લાઈફ ઇન્સ્યોરન્સ' કંપનીમાં ડિસેમ્બર મહિનામાં સૌથી વધારે પોલિસીઓ એકઠી કરીને એણે પોતાની આવડતનો સુપેરે પરિચય આપી દીધો. અલબત, એ જ વર્ષે એને એ સત્ય સમજાયું કે જીવનવીમાની પોલિસીઓ વેચવાથી એનો તો આર્થિક ઉદ્ધાર થશે પરંતુ જેના માટે એ કામ કરી રહ્યો છે એમને વીમા કરતાં પણ વધારે જરૂર છે નાણાંકીય સલાહ અને માર્ગદર્શનની જેથી તેઓ પોતાના નાણાંકીય બાબતોના ધ્યેયો સહેલાઈથી સિદ્ધ કરી શકે. 

લોકોને મદદરૂપ થવાની ભાવનાથી એ યુવાને અઘરી ગણાતી 'ઓલ ઇન્ડિયા  મ્યુચ્યલ ફંડ અસોસિએશન' {એમ્ફી}ની પરીક્ષા પહેલે જ પ્રયત્ને પાસ કરી અને વ્યવસાયિક ધોરણે નાણાંકીય સલાહકારની ભૂમિકા ભજવવાની શરૂઆત પણ કરી દીધી. સામેવાળાનો સહજ સ્વીકાર, મળતાવડો સ્વભાવ ને વ્યવસાયિક આવડત ને કૌશલ્યને કારણે એ યુવાને ઝડપથી કાઠું કાઢવા માંડ્યું ને પોતાના કામને વેગ આપવા માટે 2007ની સાલમાં 'ઝીલ ઇનવેસ્ટમેંટસ'ની સ્થાપના કરી. 

આજે 'ઝીલ ઇનવેસ્ટમેંટસ' ખૂબ જ ટૂંકા ગાળામાં લોકોનો વિશ્વાસ સંપાદન કરીને ઉધ્વગતિ ભણી પ્રયાણ કરી રહ્યું હોય તો એનો સઘળો જશ પેલા સ્વપ્નાંઓનું વાવેતર કરનારા મહત્વકાંક્ષી અને સ્વપ્નદ્રષ્ટા યુવાનને જ આપવો ઘટે જેમનું નામ છે સંજય ડોડિયા. સંઘર્ષથી સફળતાની યાત્રામાં એમણે જે જીવનમંત્ર ગાંઠે બાંધ્યો એ છે;

"લોકોની જરૂરિયાત અનુસાર એમને સલામત અને પદ્ધતિસરના રોકાણનું યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપીને નાણાંકીય ધ્યેયો સિદ્ધ કરવામાં મદદરૂપ બનવું."

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...