19 જૂન, 2014

ભડનો દીકરો.

દીકરાને પહેલા ધોરણમાં માંડમાંડ પ્રવેશ અપાવીને અમે નચિંત બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાંતો બીજો પ્રશ્ન ઉપસ્થિત થયો. દીકરાને લેવા ને મૂકવા કોણ જાય? પહેલા બે ત્રણ દિવસ ઠીક છે બાકી સમયની પાબંદીને કારણે અમે ઈચ્છતા હોઈએ તો પણ રોજેરોજ એને મૂકવાનું ને વળી પાછા લેવા માટે જવાનું અમારે માટે શક્ય નથી. આ સંજોગોમાં અમે અન્ય કોઈ વિકલ્પ શોધવાની મથામણ કરી રહ્યા હતા ને જેવી તથ્યને ખબર પડી કે એણે અમારી પાસે આવીને કહ્યું;"મમ્મી, પપ્પા મારી ચિંતા કરશો નહિ હું જાતે જ શાળામાં જઈશ. સાઈકલ લઈને જઈશ."

આમ તો શાળા ખાસ દૂર નથી એટલે એકલો જાય તો પણ વાંધો નથી પણ સાઈકલ લઈને જવા માટે તો સંચાલકોની પણ પરવાનગી જોઈએ એટલે મેં એને કહ્યું;"અલ્યા, અમને તો વાંધો નથી પણ તારા આચાર્યા તને રજા આપશે ખરા?"
"ઠીક છે. એ હું સંભાળી લઈશ." એનો આત્મવિશ્વાસ જોઇને અમે તો આભા જ બની ગયા.

બીજા દિવસે શાળા છૂટી ગયા પછી બધા બાળકો બહાર આવવા લાગ્યા પણ તથ્ય દેખાયો નહિ એટલે ચિંતિત થઈને હું તો આચાર્યાની ઓફિસ ભણી ચાલવા માંડ્યો. અંદરનું દ્રશ્ય જોઇને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. તથ્ય શાળામાં સાઈકલ લઈને આવવાની રજા આપવા માટે આચાર્યાને વિનવણી કરી રહ્યો હતો. 
"જો દીકરા, હજી તારી ઉંમર થઇ નથી એટલે તને હું રજા ના આપી શકું." આચાર્યાએ વિનમ્રતાથી નન્નો ભણી દીધો.

એમના દ્રષ્ટિકોણથી આચાર્યાનો નિર્ણય બિલકુલ સાચો હતો પણ એમને  હજીસુધી એ જાણ નહોતી કે આ તો ભડ*નો દીકરો છે. પોણાત્રણ વર્ષનો હતો ત્યારથી જ સપોર્ટ વિનાની સાઈકલ ચલાવે છે ને આજે દર રવિવારે છાપાંઓ લેવા માટે એના બાપ સાથે ઠેઠ બજાર સુધી સાઈકલ લઈને જાય છે. 

ખેર, પરવાનગી મળે ત્યારે ખરી. આત્મવિશ્વાસથી આચાર્યાની સાથે વાત કરવી એ પણ હિંમત અને બહાદુરીનું લક્ષણ છે ને !

(ભડ - સમર્થ, બહાદુર) 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...