સાંજને સમયે તથ્યને હું ભણાવી રહ્યો છું. શરીરના વિવિધ અંગોનાં નામની જાણકારી હું એને ધીમેધીમે ધીરજપૂર્વક આપી રહ્યો છું. શરૂઆત ઉપરથી કરી એટલે માથું, કપાળ, આંખો અને પછી નાકનો વારો આવ્યો. "બોલ દીકરા, ધીસ ઈઝ અ નોઝ." અંગ્રેજીમાં મેં એને આખું વાક્ય રીપીટ કરવા માટે જણાવ્યું. મારી વાતને સાંભળી ન સાંભળી કરીને એ મારી સામે તાકી રહ્યો. દીકરાની ગતિવિધિઓથી પરિચિત હોવાને કારણે મને તરત સમજાઈ ગયું કે એના નાનકડા મગજમાં વિચારો ગોટે ચઢ્યા છે.
"આબ્બા, આપણાં નાકમાં રહેલી બે નાસિકાઓ નીચેથી ઉપર તરફ એટલે કે માથા ભણી આગળ વધે છે આથી આપણે જે શ્વાસ લઈએ એ પણ ઉપર તરફ જવો જોઈએ તો પછી એ નીચે ગાળામાં કેવી રીતે આવે છે?" હવે ગોટે ચઢવાનો વારો મારો હતો. વાત એની સાવ કાઢી નાંખવા જેવી તો નહોતી જ. "અલ્યા, તારામાં ન્યૂટનનો પ્રવેશ થયો છે કે શું ? એના પેલા જાણીતા સફરજનના પ્રશ્નની પેઠે જ તું પણ પ્રશ્ન પૂછી રહ્યો છે." એને કશી સમજણ ના પડી એટલે મારે એને ન્યૂટનની વાત કહી સંભળાવવી પડી આમ છતાં એનો પ્રશ્ન તો હજી અનુત્તર જ હતો આથી છેવટે મારે ઇન્ટરનેટની સહાય લઈને એને શ્વસનપ્રક્રિયાની પૂરી માહિતી આપવી પડી.
વિચારશીલ સંતાનનાં માવતર હોવું એ આનંદ અને ગૌરવની વાત કહેવાય પરંતુ, એની એજ પ્રકૃતિ અમને સતત ઉભે પગે અને અદ્ધર શ્વાસે રાખી મૂકે છે એનું મુખ્ય કારણ એ કે સતત વિચારતા વિચારતા એણે ઘણીવાર 'વિચારશૂન્ય અવસ્થા'નો અનુભવ કરવો પડે છે. અને એ અવસ્થામાં એને અવળી મતિ સૂઝે છે; જેમ કે ઘરમાં કૂદાકૂદ કરી મૂકવી, રબ્બર અને પેન્સિલના ટુકડે ટુકડા કરી મૂકવા, સોફાના કવર આમતેમ ફેંકાફેંક કરવા વગેરે વગેરે.
કહેવાની જરૂર નથી કે એની આ "વિચારશૂન્ય અવસ્થા" અમને અવારનવાર તોબાતોબા પોકારાવી દે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો