ઘંટ શબ્દ સાંભળતાંવેંત સંસ્મરણોમાં શાળા, દેવળ, મંદિર અને રેલ્વેસ્ટેશન આબાદ ઝબકી ઉઠે છે ને સાથે સાથે વિવિધ ઘંટારવ પણ સંભળાવા માંડે છે. યાદશક્તિને થોડી વધારે તકલીફ આપું તો વળી લાયબંબો, કુલ્ફી અને બરફની લારી પણ નજર સમક્ષ તરી આવે છે. આમછતાં, ક્યારેય ભરબજારમાં આવેલી કોઈ દુકાનમાં ઘંટ જોયાનું કે ઘંટારવ સાંભળ્યાનું યાદ આવતું નથી.
ગયે અઠવાડિયે રાત્રે જમ્યા પછી અમે આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યા. ભાલેજ રોડ પર આવેલો ઓવરબ્રિજ પસાર કરીને અમે મહેન્દ્ર શાહની હોસ્પિટલ ભણી આગળ વધતાં હતાં ને પલક હોસ્પિટલની બાજુમાં આવેલી દુકાનના બોર્ડ ભણી મારી નજર પડી. બોર્ડ પર લખ્યું હતું;"ડંકાવાલા પાન એન્ડ કોલ્ડ પોઈન્ટ." નવી જગ્યાએ આઈસ્ક્રીમનો સ્વાદ માણવાના ઈરાદાથી મેં બાઈકને ત્યાંજ પાર્ક કરી.
ત્રણ રજવાડી કુલ્ફીનો ઓર્ડર આપ્યા પછી મને દુકાનનું નિરીક્ષણ કરવામાં રસ પડ્યો ને મારી નજર કાઉન્ટર પર મૂકેલા મધ્યમ કદનાં ઘંટ ભણી જઈને અટકી ગઈ. મને આશ્ચર્ય થયું કારણ એ દુકાનમાં ચોકલેટ, આઈસ્ક્રીમ, પાન અને મસાલા જેવી વસ્તુઓ વેચવામાં આવતી હતી. અમને આઈસ્ક્રીમ આપ્યા પછી દુકાનદારે હળવા સાદે ઘંટનાદ કર્યો. મારું આશ્ચર્ય બેવડાયું. અમે આઈસ્ક્રીમ ખાતા હતાં એ સમય દરમિયાન ઘણાં ગ્રાહકો આવ્યા ને દુકાનદારે દર વખતે વસ્તુ આપતી વેળાએ ઘંટનાદ કર્યો એટલે મારી ધીરજ ખૂટી ગઈ.
"આ અમારો બાપદાદાના વખતથી જાળવી રાખેલો લોગો છે લોગો." દુકાનદારે ફરી એકવાર ઘંટનાદ કરીને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.
"પણ, આમ દરેક વખતે ઘંટનાદ કરવા પાછળ કોઈ તર્ક ખરો કે નહિ?" મને વાતમાં રસ પડવા માંડ્યો.
"હા, એનાથી અમારી શાખ અને ઓળખ વધે છે ને જળવાઈ રહે છે."દુકાનદારે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.
"શું વાત કરો છો?. તો તો પછી વગર જાહેરાતે જ તમારો ધંધો આગળ વધતો હશે ખરું કે નહિ?" મેં ધારણા બાંધવા માંડી.
"હા, ચોક્કસ. આ અમારી ત્રીજી દુકાન છે ને ત્રણેત્રણ ધમધોકાર ચાલે છે." દુકાનદારે હર્ષ અને ગર્વથી કહ્યું.
"ત્રણ ત્રણ દુકાન અને એ પણ પાછી ધમધમતી!. ઘંટનો નાદ ને રૂપિયાનો રણકાર. ક્યા આઈડીયા હે સરજી!" મેં હોંશેહોંશે દુકાનદારને આ નવા નુસ્ખા બદલ અભિનંદન પાઠવ્યા.
અમારે હવે રૂપિયા રણકાવવા માટે ક્યાં ઘંટનાદ કરવો એનો વિચાર કરતાં કરતાં અમે ઘરે પહોંચ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો