અલીરાજપુરથી બિલકુલ નજીકના એક ગામની ભાગોળે ખુલ્લા ખેતરમાં કેટલાક ગામલોકો ભેગા થયા છે ને ઉભડક બેઠા બેઠા દારૂની મહેફિલ માણી રહ્યા છે. આટલા બધા માણસોને એકસાથે મહેફિલમાં હાજર જોઇને મને આશ્ચર્ય થયું એટલે કુતૂહલતાથી મેં મારા સહકાર્યકરને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે?
"તોડ પાડ્યો હોય એમ લાગે છે."
"શાનો તોડ ને શાની વાત ? " મને વાતમાં ખાસ સમજણ ન પડી.
"ગામનો કોઈ પુરુષ બીજી ઘરવાળી લઇ આવ્યો લાગે છે."
"શું વાત કરે છે?" મને આ થોડી વિચિત્ર લાગતી બાબતમાં રસ પાડવા માંડ્યો એટલે અમે પૂછપરછ કરીને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો.
"વાત એમ છે કે ...." ગામની જ એક વ્યક્તિએ અમને વિગતે માહિતી આપવા માંડી.
"સૂકલીયો નામના એક યુવાનના કિશોરાવસ્થામાં જ લગ્ન લેવાઈ ગયા હતા. વીસીમાં પ્રવેશે એ પહેલાં તો એ બે બાળકોનો પિતા બની ચૂક્યો હતો પણ ઘરવાળી સાથે મનમેળ ક્યારેય ન થઇ શક્યો. ગુજરાતમાં મજૂરીકામ માટે ગયો ત્યારે એને એની જ ઉંમરની અન્ય યુવતી સાથે પ્રેમ થઇ ગયો ને ગયે અઠવાડિયે જ એને ભગાડીને પોતાના ઘરે લઇ આવ્યો છે. હવે સમાજના રિવાજ પ્રમાણે એણે યુવતીના માબાપને નિશ્ચિત રકમ તો ચૂકવવી જ પડે ને સાથે સાથે એનું લગ્ન બીજી વારનું હોવાથી ગામનું પંચ જે દંડ નક્કી કરે એ પણ ભરવો પડે. જો દંડની રકમ વધારે લાગે તો પંચ નક્કી કરે એટલી રકમ ઉચ્ચક આપવી પડે. જો એ રકમ પણ ના ભરે તો લગ્ન ગેરકાયદેસર ગણાય ને ગામમાં એ ક્યારેય પ્રવેશ ના કરી શકે. "
"કેટલી રકમ એણે ચૂકવી છે?" મેં પ્રશ્ન પૂછ્યો.
"લગભગ પંદરેક હજાર."
"પંદર હજાર રૂપિયામાં લગ્ન કાયદેસર ગણાય?"
"હા."
"પંચ એ રકમનું શું કરશે?"
"તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ. મળતિયાઓ સાથે મળીને રકમ થોડા જ કલાકમાં ઉડાડી મૂકશે."
"પણ, એની પહેલી પત્નિનું ભાવિ શું? પંચે એનો કોઈ વિચાર કર્યો છે ખરો?" ભીલ આદિવાસીઓમાં બહુ પત્નિત્વની નવાઈ નથી એટલે મને પણ આશ્ચર્ય ન થયું પણ પહેલી પત્નિનાં ભાવિની સ્વાભાવિક ચિંતા થઇ આવી.
"બંને પત્નિઓ સાથે જ રહેશે." સરળતાથી એણે જવાબ આપ્યો.
જવાબ એકદમ સરળ પરંતુ, વાસ્તવિકતા એટલી સરળ હોય છે ખરી! તોડ પાડીને રૂપિયા ખંખેરી લેતા પંચની પાસેથી ન્યાયની કોઈ અપેક્ષા રાખી શકાય ખરી!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો