આણંદ અને ખંભાત રેલ્વેલાઈન ઉપર સાયમા નામનું એક સ્ટેશન આવે છે. એ સ્ટેશન પહેલા એક ફાટક આવે છે ને એની બિલકુલ નજીક હરિયાણ નામનું નાનકડું પણ રળીયામણું ગામડું આવેલું છે. આ ગામની સીમમાં 'પીર સિતાબ બાવા'ની દરગાહ આવેલી છે. આ દરગાહ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. આડે દાડેય બાધા, આખડી ને માનતામાં માનનારું લોક પીરને ઘડીભર પોરો નથી દેતું ત્યારે ઉર્સ(મેળો)ના દિવસની તો વાત જ શી કરવી! બે ચાર દિવસ સુધી માનવમહેરામણ સતત ઉમટ્યા જ કરે. જેટલો ઉજળો એનો વર્તમાન છે એથીય વધારે ભવ્ય એનો ભૂતકાળ છે. જેટલી શ્રદ્ધા ને આસ્થા મુસ્લિમોને છે એથીય વિશેષ આસ્થા ને શ્રદ્ધા અન્ય ધર્મના લોકોને પણ છે.
લોક્વાયકાનુસાર આ દરગાહની નજીક જે લીમડો આવેલો છે એની ઉપરથી દર ગુરુવારે સવારના પહોરમાં સવા મણ સાકરની વર્ષા થયા કરતી. ગામના લોકો એ સાકરને એકઠી કરીને પ્રસાદ તરીકે વહેંચતા. પરંતુ, સમય જતા કેટલાક લેભાગુઓને એમાં પણ વેપાર કરીને કમાણી કરી લેવાની સોનેરી તક દેખાઈ ને એમણે એનો અમલ પણ શરૂ કરી દીધો. કહેવાની જરૂર નથી કે એમની એ ખોરી દાનતથી પીરનો પુણ્યપ્રકોપ ભડકી ઉઠ્યો ને ત્યારથી સાકરની વર્ષા સદંતર બંધ થઇ ગઈ. આ વાત કરતાં કરતાં ગામલોકોના ચહેરા પર આજે પણ શરમ અને ગ્લાનિ ઉપસી આવતા દેખાય છે.
આ માન્યતામાં સત્ય અને વજૂદ કેટલું છે એ તો એના પારખા કરનારાઓ જ જાણે. પણ, મારી નજરે તો હરિયાળા હરિયાણની સીમમાં આવેલી 'પીર સીતાબ બાવા'ની દરગાહ ઐતિહાસિક વારસો ધરાવતું એક સુંદર અને અદભૂત સ્મારક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો