વહેલી સવારે છ વાગ્યે અમે પાલીતાણા શહેરની નજીક આવેલા શેત્રુંજય પર્વતની તળેટીએ પહોંચી ગયા. તળેટીમાં સેંકડો ડોલીઓવાળાઓના ઘોંઘાટનું જે દ્રશ્ય જોવા મળ્યું એ જોઇને અમને લાગ્યું કે અહીં આવવામાં અમે થાપ ખાઈ ગયા છીએ ને હવે પછી અન્ય ધાર્મિક સ્થળોની માફક અહીં પણ કંકુના થાપા, તેલના રગડા, નારિયેળની કાચલીઓ, હાથ લંબાવતા ભિખારીઓ, લીંબુ, છાસ અને સોડાવાળાની રેંકડી ને રાવટીઓ સિવાય ખાસ કશું જોવા મળવાનું નથી. અલબત, બીજી પાંચ જ મિનિટમાં અમારું અનુમાન ને અમારી માન્યતા ધરાર ખોટા ઠરવાના હતા એનાં અણસાર વર્તાવાના શરૂ થઇ ચૂક્યા હતા.
સવારે છ વાગ્યે હજી ખાસ્સું અંધારું હતું. અન્ય યાત્રીઓની સાથે સાથે અમે પણ ધીમે પરંતુ નિશ્ચિત ડગલે આરોહણ શરૂ કર્યું. લગભગ અડધા કલાક પછી ઉજાસ ફેલાયો ત્યારે અમે હજારેક પગથિયાંઓ આરામથી ચડી શક્યા હતા અને જે અદભૂત દ્રશ્ય જોયું એમાં અમારું અનુમાન, માન્યતાઓ અને પૂર્વગ્રહો ધરાર ઓગળી ગયા. શેત્રુંજયના ખોળામાંથી અમને શેત્રુંજય નદીમાં ચમકારા મારતા સૂર્યનાં કિરણોનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. નીચે સુધી સીધી નજર નાંખી તો તળેટીમાંથી સર્પાકારે ફેલાઈ રહેલા પદ્ધતિસરની બાંધણી ધરાવતાં પગથિયાં દેખાતા હતા. સાથે સાથે ચોક્કસ અંતરે જોવા મળતા કલાત્મક દેરાસરોને જોઇને આંખો ઠરતી હતી. અમે જ્યાં બેઠા હતા એ વિસામાનું સ્થળ પણ આયોજનપૂર્વક બાંધેલું હતું જ્યાં બેસવા માટે બાંકડાઓ અને તરસ છીપાવવા માટે પાણીની પરબ પણ હતી. પાંચેક મિનીટ પછી અમે જેમ જેમ આગળ વધવાનું શરૂ કર્યું તેમ તેમ કુદરતી વાતાવરણથી પ્રભાવિત થતા રહ્યા. "અરે, જુઓ તો ખરા ! કેટલાં બધા વૃક્ષો છે. વડ, લીમડો, રાયણ, બાવળ, બોરડી ........." તથ્યએ આનંદમાં આવી જઈને વૃક્ષોના નામ બોલવા માંડ્યા. થોડા આગળ વધ્યા અને ચકલી, બુલબુલ, પોપટ ને કોકડીયો કુંભાર જેવા પક્ષીઓ અમારું સ્વાગત કરવા માટે તૈયાર જ હતા.
ધાર્મિક સ્થળ સુધી જતો રસ્તો આટલો સ્વચ્છ, સુઘડ, શાંત, સૌમ્ય ને કુદરતી વાતાવરણથી ભર્યો ભર્યો હશે એ માનવા માટે અમારું મન તૈયાર નહોતું પણ એ હકીકત હતી જેને અમે પળે પળે માણી રહ્યા હતા. 3600 કરતાં વધારે પગથિયાંઓ ચઢવામાં અમને બે કલાક જેટલો સમય લાગ્યો પણ જરાય થાક કે કંટાળાનો અનુભવ થયો નહિ. ઉપર પહોંચ્યા પછી લગભગ એટલો જ સમય અમે પ્રાચીન કાળમાં બાંધવામાં આવેલા જૈન દેરાસરોને જોવા અને માણવામાં ગાળ્યો. શાંતિ અને સ્વચ્છતા ઉડીને આંખે વળગતા હતા. સુંદર અને કલાત્મક બાંધણી ધરાવતાં આ દેરાસરોને જોતાં જોતાં મન ને હૈયું ધરાતા નહોતા.
સમયની પાબંદીને કારણે અમારે ના છૂટકે પાછા વળવું પડ્યું પણ અમારું મન તો કયાંક અધવચ્ચે રસ્તામાં કે પછી કયાંક પર્વતની ટોચ પર જઈને બેઠું હતું. વડ, લીમડો, રાયણ, બાવળ ને બોરડી અમારી નજર સમક્ષ ઘુમરાયા કરતાં હતા, ચકલી, બુલબુલ, પોપટ ને કોકડીયા કુંભારનો કલરવ કાનોમાં ગુંજી રહ્યા હતા ને દેરાસરોની સુંદર અને કલાત્મક બાંધણી હૈયામાં કોતરાઈ ગઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો