ચિત્રોડ ગીરમાં દેવેનભાઈને ઘેર હું ઓસરીમાં સૂતો હતો. સિંહની ત્રાડો સાંભળવાના રોમાંચમાં રાતભર મને નીંદર નહોતી આવી. હજી તો ભળભાંખળુ થયું નહોતું ને મારી બાજુની પથારીમાં સળવળાટ થવા માંડ્યો. થોડી વાર પછી એક અજાણ્યો આકાર એ પથારીમાંથી બહાર આવ્યો ને બહાર આવતાંની સાથે જ એણે કામ શરૂ કરી દીધું. સૌથી પહેલા એણે ગાયોને નીરણ નાંખવાનું શરૂ કર્યું. ગાયોને નીરણ નાંખતો જાય ને પ્રેમથી એમની પીઠ પણ પસવારતો જાય જેથી ગાયો નિરાંતે પૂળા ખાઈ શકે. આછા અજવાળામાંય એના હોઠ પરનું મરક મરક હાસ્ય છાનું નહોતું રહેતું. અડધાએક પૂળા પૂરા થયા હશે ત્યાં તો એ બોઘરણું લઇ આવીને પહેલી ગાયની નજીક બેસી ગયો. ગાય પણ એના અસ્તિત્વને પારખી ગઈ હોય એમ એની વધુ નજીક આવી. ધીમે રહીને એણે હવે ગાયનું આંચળ હાથમાં લઈને દોહવાનું શરૂ કર્યું. બોઘરણામાં પડતી શેઢકડા દૂધની ધારમાંથી વહેતો કર્ણપ્રિય ને મધુર અવાજ હવે મને ઉંઘવા દે એમ નહોતો. અધૂરી ઉંઘ હોવા છતાં, ઝટપટ દાતણપાણી કરી લઈને મેં પેલા અજાણ્યાની દરેકે દરેક ક્રિયા પર ધ્યાન આપવા માંડ્યું.
દૂધથી છલોછલ છલકાતા બોઘરણાંને રસોડામાં મૂકી આવ્યા પછી એ નાનકડી વાટકીમાં દૂધ લઈને પથારી પાસે આવ્યો. પથારીને છેડે એક મોટો ટોપલો પડ્યો હતો એને એણે હળવેથી જેવો ઉંચો કર્યો કે લપક દઈને કૂદકો મારીને બિલાડીનું એક નાનકડું બચ્ચું એના ખોળામાં આવી ચઢ્યું. એ બચ્ચાને એણે વહાલથી હાથમાં લીધું ને પછી ધીમે ધીમે એને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. હતપત હતપત થતાં બચ્ચાંને એણે પૂરી ધીરજ રાખીને મરક મરક હસતાં હસતાં દૂધ પીવડાવ્યું ને પછી શિરામણ કરતી વેળાએ પણ બચ્ચાંને ખોળામાંથી જરાય આઘું પાછું ન થવા દીધું. ત્યારપછી ખેતરમાં જવાનો વારો આવ્યો ત્યારે વળી પાછું સંભાળીને એના ઘરમાં મૂકી દીધું.
રોટલા ટાણે તો એ ચારાનો મસમોટો ભારો લઈને હાજર થઇ ગયો હતો. ભારો એક ખૂણામાં નાંખ્યો ન નાંખ્યો ને વળી પાછું એણે બચ્ચાંને હાથમાં લીધું ને પ્રેમથી એની પીઠ પસવારવા માંડ્યો. બિલાડીના એક નાનકડા બચ્ચા પ્રત્યેની એની ચાહતને સાક્ષીભાવે નિહાળ્યા પછી એના વિશે જાણવા મારું મન ક્યારનુંય તલપાપડ થઇ રહ્યું હતું એટલે દોલતને મેં એના વિશે સહજ પૃચ્છા કરી.
"ઈ તો અમારો ભૂરો ને એની મીંદડી ભૂરી છે." દોલતે ટૂંકો જવાબ વાળ્યો પણ મને સંતોષ ના થયો. મારા હાવભાવ પારખીને દોલતે ભૂરા વિશે વધારે માહિતી આપવા માંડી;"આમ જુઓ તો અમારે કાંઈ સગપણ નથી. એના માબાપ અમારા ગામમાં મજૂરી કરવા આવતા હતા ને એ નાનો હતો ત્યારે જ એક ગોઝારા અકસ્માતમાં એને રઝળતો મૂકીને દેવશરણ થઇ ગયેલા. નોધારા બાળકને આશરો મળી રહે એ માટે બાપા એને અમારે ઘેર લઇ આવ્યા હતા ને ત્યારથી જ એનો ઉછેર અમારે ઘેર થયો છે. જમવામાં કોઈ દિ આઘુંપાછું થાય તો બા પહેલી થાળી એને ધરે ને પછી જ અમારો વારો આવે. એને ભણાવવાનો પણ પ્રયત્ન કરી જોયો પણ મેળ ન પડ્યો. માંડમાંડ બે શબ્દો બોલી જાણે છે. હા, ઘર ખેતરનું નાનું મોટું કામ કરવામાં એ પાવરધો છે."
"ઓહ! શું વાત કરે છે તું દોલત." આવા નિસ્વાર્થ પ્રેમ ને ઉદારતાની વાત ઝટ દઈને મારા માનવામાં આવતી નહોતી.
"ભૂરાના હાથમાં જે બચ્ચું છે એની મા પણ ભૂરાને બહુ વહાલી હતી. એક દિ બચ્ચાંને મૂકીને એની મા ડેલાની બહાર ગઈ ને કૂતરાની નજરમાં આવી ગઈ. કૂતરાને જાણે બાપે માર્યા વેર હોય એમ બિલાડીને ઝપટ મારવાનો પ્રયત્ન કર્યો ને એજ ક્ષણે ભૂરાની આંખો એ જોખમને પારખી ગઈ. કૂતરો ઝાપટ મારે એ પહેલા તો ભૂરાએ મોટો પાણો હાથમાં લઈને બરોબર નિશાન તાકીને એક પળનોય વિલંબ કર્યા વિના એના લમણામાં ઝીંકી દીધો. કમનસીબે, કૂતરો આઘો ખસી ગયો ને બિલાડી ઝપટમાં આવી ગઈ. બીજી જ ક્ષણે એનાં રામ રમી ગયા. પોતાની વહાલી બિલાડીની આ હાલત જોઇને ભૂરો તો ઘડીકવાર સૂનમૂન થઇ ગ્યો ને પછી એવી પોક દીધી કે ઘડીકવારમાં જ ગામ આખું ભેળું થઇ ગ્યું. તે દિ ને આજની ઘડી, ભૂરો ઓલી મીંદડીનાં બચ્ચાંને ઘડીવાર રેઢું મેલતો નથી ને હેત તો એવું વરસાવે કે જાણે એજ એની સગી મા ના હોય."
આ કરૂણાસભર વાત મારા હૈયા સોંસરવી ઉતરી ગઈ ને બે ઘડી હુંયે અવાચક થઇ ગયો. થોડી વાર પછી અહોભાવથી મેં ભૂરા સામે જોયું તો એ તો ઓલી મીંદડીના બચ્ચા સામે જોઇને મરક મરક હસતો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો