26 નવે, 2014

અમે તમારા ખબરઅંતર પૂછવા આવ્યા છીએ.

સૂરજ ડૂબવાને હજી વાર હતી. માળામાં પાછા ફરી રહેલા પક્ષીઓ આનંદથી ચહેકાટ કરી રહ્યા હતા. બરોબર એજ સમયે વગડામાં શોરબકોર મચી ગયો. શેરડીના ખેતરોને શેઢે શેઢે બાળકો કલશોર કરતાં કરતાં આગળ વધી રહ્યા હતાં. એમના એ કલશોરમાં પક્ષીઓનો ચહેકાટ ક્યાંયે શમી ગયો. આખો દિવસ તો ભાઈભાંડુઓને સાચવવામાં અને લાકડાંની સાંઠી સળીકડીઓ વીણવામાં એમણે માંડ માંડ પસાર કર્યો હતો. હવે પડાવમાં ગયા પછી થોડો સમય રમવા મળશે એનો એમને આનંદ હતો. એમની પાછળ પાછળ સ્ત્રીઓ ચાલી આવતી હતી. સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી કેડો નમાવી નમાવીને શેરડી કાપી છતાંય હજી એમને ક્યાં નવરાશ હતી! પડાવે પહોંચ્યા પછી ફટાફટ રોટલા ઘડવા પડશે એની ચિંતા ને અધીરાઈ એમના મુખ પર વરતાતી હતી. સૌથી છેલ્લે પુરુષો હતા. "હાશ! ચાલો એક દિવસ પૂરો થયો." ના અહેસાસ સાથે દરેકના હાથમાં મોબાઈલ રમી રહ્યો હતો જેમાં મોટા અવાજે જુદા જુદા ગીતો વાગી રહ્યા હતા. 

આ શંભુમેળો હજી તો પડાવથી ખાસ્સો છેટો હતો ને દૂર ચીલા પર જીપની ઘરેરાટી સાથે ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. મોબાઈલમાં વાગતા ગીતો ફટાફટ બંધ થઇ ગયા ને બાળકોનો કલબલાટ શમી ગયો. સૌની નજરો આતુરતાથી ચીલા ભણી વળી. 
'અર .. જીપ અઠ કીસીક ? પોલીસ તો ની આહા ના ? - અરે, આ જીપ અહીંયા ક્યાંથી? શું આ પોલીસ તો નથી ને!' ફાટી નજરે કેટલાક જીપ સામે તાકી રહ્યા ને કેટલાક સમય વેડફ્યા વિના ત્યાંથી ભાગવાની તૈયારી કરવા માંડ્યા.
'આપણી પાસે શા માટે આવે? ને આવે તોયે શું લઇ લેવાના છે? બાર સાંધીએ ત્યાં તેર તૂટે એવી આપણી હાલત છે.' કેટલાક અનુભવીઓએ આશ્વાસનના શબ્દો ઉચ્ચાર્યા.
'અરે, આ જીપને તો ક્યાંક જોઈ છે.' એક નાનકડા બાળકે રંગ જોઇને જીપને ઓળખી કાઢી.
'અરે, આ તો આપણા ફાદર છે. જુઓ જુઓ એમના લાંબા વાળ હવામાં કેવા ફરફરી રહ્યા છે! એમની સાથે સીસ્ટર અને ગામના લોકો પણ છે.' મોટા ભાગના બાળકોએ આંગતુકોને ઓળખી કાઢ્યા ત્યારે સૌનો જીવ હેઠે બેઠો.

કાફલો પડાવ નજીક પહોંચે એ પહેલાં તો જીપ ત્યાં આવી પહોંચી હતી ને એમાંથી લેંઘોઝભ્ભો પહેરેલા દાઢીધારી ફાદર, સીસ્ટર અને ગામલોકો એમનાં ભણી ધસી આવ્યા.
'કિંસાક આહા ? - કેમ છો?' 
બેસ આહા ના! - મજામાં છો ને!'
'આમી તુમાલા મીળુલા અન ખબર હેરુલા આનાહાંવ. - અમે તમને મળવા માટે અને તમારા ખબરઅંતર પૂછવા માટે આવ્યા છીએ."

દોઢસો કિલોમીટર દૂર ઠેઠ શુબીરથી અહીં બારડોલી સુધી પોતાના ખબર કાઢવા આવેલા ધર્મગુરુ, સીસ્ટર ને પોતાના ભાઈઓને જોઇને ઘડીભર બધાય અવાચક થઇ ગયા ને ક્યારે એમની આંખોના ખૂણા ભીના થઇ ગયા એની એમને ખબર ન રહી.
'યો જ ખરા બાળદી આહા. - આ જ સાચા ગોવાળો છે. ' કાફલાના આગેવાને જાણેઅજાણે સૌના મનની વાત કહી દીધી. 

ધર્મગુરુ અને એમની ટીમે પડાવમાં જ બેઠક જમાવી દીધી એમના સુખદુઃખની વાતો સાંભળી ને એમની સાથે જ દાળરોટલાનું સાદું ભોજન પણ લીધું. ચારેક કલાક પછી પાછા વળતી વેળાએ એમના મુખેથી અનાયાસે એક વાક્ય સરી પડ્યું;" "આતા ખબર પડહ ક ઉષમાં જગલુ અન કામ કરુલા સોડપા ની આહા. - આજે અમને સમજાયું કે શેરડીના ખેતરોમાં રહેવું અને કામ કરવું સહેલું નથી."  હા, ઢોરની જેમ જીવન વેંઢારતી  પોતાની પ્રજાની પીડાદાયક અને યાતનાઓથી ભરી વાતો સાંભળીને એમનું હૈયું ભરાઈ આવ્યું હતું.

આ ધર્મગુરુની નામ છે ફા. કીરીટ પટેલીયા એસ. જે. જન્મભૂમિ પેટલાદ પણ દીક્ષા મળ્યા પછી તરત જ એમણે ડાંગમાં આવેલા સુબીરને પોતાની કર્મભૂમિ બનાવી છે. અહીંના સ્થાનિક લોકો સાથે ડાંગીમાં અસ્ખલિત બોલતા એમને સાંભળીએ તો "અલ્યા, આ તો સવાયા ડાંગી છે." એવો સહજ ઉદગાર નીકળ્યા વિના ના રહે એવી એમની સ્થાનિક ભાષા પરની પકડ અને જમાવટ. ભાષાની સાથે સાથે સંસ્કૃતિને પણ એમણે પૂરેપૂરી અપનાવી લીધી છે. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...