14 નવે, 2014

પોતાનો જય જયકાર કરો .......


યાદશક્તિની જુદી જુદી રીતોમાં એક રીત "રેન્ડમ રીમેમ્બરીંગ" છે. એમાં અંકો કે શબ્દોને સ્વાભાવિક ક્રમમાં યાદ રાખવાને બદલે સમૂળગા ઉથલપાથલ કરીને યાદ કરવાનો પ્રયત્ન કરો તો તમારી યાદશક્તિ વધે એવો દાવો કરવામાં આવે છે. 

ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો એ ક્યાંનો ન્યાય! અન્ય વિદ્યાર્થીઓને આ રીત શીખવું એ પહેલા એનો પ્રયોગ દીકરા સાથે અચૂક કરી જોઉં. દીકરાને ગાવાનો ભારે શોખ એટલે સૌથી વધારે એને હું ગીતો શીખવું અલબત પેલી રીતને ધ્યાનમાં રાખીને. ક્યારેક ગીતના શબ્દોને ઉલટસૂલટ કરી દઉં  તો ક્યારેક ભળતા જ શબ્દો ગોઠવી દઉં. ઉદારહરણ તરીકે "બહેતી હવા સા થા વો" ને બદલે હવા સા બહેતી થા વો" 

જેવો શબ્દોમાં ફેરફાર થાય કે તરત જ દીકરો સાચા શબ્દો યાદ અપાવે. ને એમ કરતાં કરતાં એ ગીત એને કંઠસ્થ થઇ જાય. ઘણીવાર તો હું શબ્દોને આખેઆખા બદલી જ નાંખું. કહેવાની જરૂર નથી કે દીકરો જલ્દી અનુકરણ કરતાં શીખી ગયો. 

એક વહેલી સવારે એના મુખમાંથી તીણા સ્વરે ગવાતા ગીતની પ્રથમ પંક્તિ સાંભળી ત્યારે તો હું આભો જ રહી ગયો ને મેં એને અભિનંદન આપ્યા;"ભઈ વાહ! ગાયક ને ગીતકાર તો તું ખરો જ પણ આ જે પંક્તિ તેં હમણાં ગાઈ બતાવી એમાં તો દુનિયાભરનું તત્વજ્ઞાન સમાયેલું છે. બહુ નાની ઉંમરમાં તું તત્વજ્ઞાની બની ગયો." મારા શબ્દોથી એને બરોબર ચાનક ચઢી એટલે વધારે જોરથી એ ગાવા લાગ્યો;"પોતાનો જય જયકાર કરો ... પોતાનો જય જયકાર."

અસલમાં, આ પંક્તિઓ તો છે;"પિતા નામનો જય જયકાર કરો ...." પરંતુ, વાસ્તવિકતામાં દુનિયાને તો પોતાનો જય જયકાર થાય એમાં જ રસ છે ને !

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...