મારા પ્રતિસાદની અપેક્ષાએ તથ્ય મારી ભણી તાકી રહ્યો છે ને હું આકાશ ભણી નીરખતો નીરખતો વીસ વર્ષ પાછળનું દૃશ્ય નિહાળી રહ્યો છું. અમદાવાદ શહેરના નવરંગપુરા જેવા વૈભવશાળી વિસ્તારમાં આવેલા સ્થાપત્યની કરામત જેવા એક અદભૂત અને સુંદર 'પ્રેમલજ્યોતિ' નામના મકાનના એક નાનકડા રૂમમાં હું બેઠો છું. મારી સામે 'સાઇકોલોજી'માં પારંગત અને અનુભવી સન્યાસી બેઠા છે. એમની પાસે કેટલાક કાગળોનો થોકડો છે ને જેમાં જુદા જુદા ચિત્રો દોરેલા છે. એક પછી એક ચિત્ર બતાવીને મને એ પૂછી રહ્યા છે;"બોલ જોઈએ દોસ્ત, આમાં તને શું દેખાય છે?"
ચિત્રો જોઇને હું મુંઝવણમાં મુકાઈ જાઉં છું કારણ કે એકેય ચિત્રમાં સ્પષ્ટ આકૃતિ દેખાતી નથી. માત્ર આડુંઅવળું ચિતરામણ કર્યું હોય એમ લાગી રહ્યું છે. "જરા ધ્યાનથી જો. આપણી પાસે ઘણો સમય છે. ઉતાવળ કરવાની જરૂર નથી." સન્યાસી મને સધિયારો આપી રહ્યા હતા. એમની વાત સાચી હતી. મેં ધ્યાનથી જોવાનું શરૂ કર્યું ને થોડી જ વારમાં એ કાગળોમાં અવનવા આકારો ઉપસી આવ્યા. "ઘોડો, હાથી, માછલી, ખેડૂત, શિલ્પ ...... " યાદી લંબાતી ગઈ ને સ્વસ્થ ચિતે મને જે દેખાઈ રહ્યું હતું એના જવાબો મેં ફટાફટ આપવા માંડ્યા.
આ સાંભળીને જેવો હું "પ્રેમલજ્યોતિ"માંથી બહાર આવ્યો કે આકાશમાં મને ચિત્રવિચિત્ર આકારો દેખાવા માંડ્યા.
"આબ્બા, તમને ડાયનાસોર દેખાઈ રહ્યા છે કે નહિ ?" તથ્યએ મારો હાથ ઝાલીને મને ઢંઢોળી નાખ્યો ને હું એ ડાયનાસોરોને ખોળવા મંડી પડ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો