12 ડિસે, 2014

જાદુ નામમાં જ છે.

"સલામ અલયકુમ લાલાભાઈ! આજે તો કાંઈ બહુ આનંદમાં લાગો છો ને !"
અમારી સલામનો પ્રતિસાદ આપે એ પહેલાં તો લાલાભાઈના હાથમાં મુઠ્ઠીભર સીંગના દાણા હોય. સીંગની ખરીદી અમે કરીએ કે ના કરીએ અમને ત્રણેયને દિલથી મુઠ્ઠીભર દાણા દર વખતે ખવડાવવાનો નિયમ એ ક્યારેય ના ચૂકે.
એક વખતે અચાનક હોસ્પિટલમાં જવાની જરૂર ઉભી થયેલી. ખિસ્સામાં રોકડ ના મળે પણ એટીએમ કાર્ડ હતું એટલે ચિંતા નહોતી. મનમાં એમ હતું કે રેલ્વેસ્ટેશન પરના મશીનમાંથી ઉપાડી લઈશું. પરંતુ, ત્યાં ગયા પછી ખબર પડી કે ત્રણે ત્રણ મશીનો ખોરંભે ચઢ્યા હતા. હવે શું? એમ વિચારી રહ્યો હતો ને લાલાભાઈ યાદ આવ્યા. બરોબર સ્ટેશનની સામે એમની સીંગની દુકાન. જગ્યા મોકાની હોવાથી નાંખી દેતાય એમને દસેક હજારનો વકરો થતો હશે. એવા માણસ પાસે ખપ પૂરતો હાથ લંબાવવામાં વાંધો નહિ એમ વિચારી અમે ત્યાં પહોંચ્યા ને અમારી આપવીતી રજૂ કરી.
"બોલો, કેટલા જોઈએ છે?" વધારે પૂછતાછ કર્યા વગર એમણે રોકડ ગણવા માંડી.
"આવતીકાલે પરત કરી દઈશ." રૂપિયા હાથમાં લઈને મેં એમને વાયદો કર્યો.
"મેં તમારી પાસે માંગ્યા છે. તમને જયારે અનુકૂળ લાગે ત્યારે પાછા આપજો." એમની ઉદારતાને વધાવવા અમારી પાસે શબ્દો નહોતા.

સીંગ ખાવાનું હજી પૂરું પણ ન થયું હોય ને બાજુવાળા સિરાજભાઈ જામફળ લઈને હાજર થઇ જાય. સિરાજના ફળફળાદિનો ભાવ વધારે હોય એટલે એમને ત્યાંથી અમે ભાગ્યે જ ખરીદી કરીએ આમછતાં, સંબંધો એવા કે દર વખતે મોસમી ફળનો સ્વાદ અમને ચખાડતા જાય ને છોગામાં બિરયાની ખાવા ઘરે ક્યારે પધારો છો એની પૃચ્છા પણ કરી જ લે.  

ત્યાંથી થોડા આગળ વધીએ એટલે પોલીસ સ્ટેશન આવે ને ત્યાં બહાર નારિયેળવાળા નાદીરભાઈ સાથે મુલાકાત થાય. દૂરથી અમને જોતાવેંત ઓળખી જાય ને અમે ત્યાં પહોંચીએ એ પહેલાં તો તથ્ય માટે મસમોટું પાણી ભરેલું નારિયેળ કાપીને તૈયાર રાખે અને હા, સીઝન હોય કે ના હોય, ભાવ ઓછો હોય કે વધારે હોય અમારી પાસેથી એ હંમેશાં દસ રૂપિયા જ સ્વીકારે.
"અલ્યા, નાદીર ગામ આખામાં આટલા મોટા નારિયેળના વીસથી ત્રીસ રૂપિયા લે છે ને તમે કેમ માત્ર દસ જ રૂપિયામાં આપો છો?"
"તમારો દીકરો શુકનવંતો છે એને નારિયેળ પાયા પછી મારો દિવસ જોરદાર જાય છે." નાદીર તથ્યની સામે જોઇને હસીને જવાબ આપે ને તથ્ય "થેંકયુ નાદીર અંકલ." કહીને વળતો જવાબ આપે. 

ઘરેથી બજાર ભણી નીકળીએ એટલે બા ને બાપા ફેરિયાઓ પાસેથી ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોમાં સાચવવું એની યાદી અચૂકપણે પધરાવી દે. પણ, અમે એ યાદીને ઘોળીને પી જઈએ કારણ, અમને અમારા મિત્રો પર પાકો ભરોસો, એ પછી સીંગવાળા લાલાભાઈ હોય, નારિયેળવાળા નાદીર હોય, ફળફળાદિવાળા સિરાજ, નરસિંહ, ભૂપત કે મોહનભાઈ હોય કે પછી બેગવાળા બિહારી હોય. શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શું દાટ્યું છે. પણ, નામના જાદુનો મહિમા અમે સુપેરે સમજીએ અને એનો બખૂબીભર્યો ઉપયોગ પણ કરી જાણીએ.

છેવટે સંબંધોની શરૂઆત તો નામથી જ થાય છે ને ! 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...