ગયા શુક્રવારની સાંજે અમે ત્રણેય બાઈક લઈને બાલાશિનોર ભણી આગળ વધી રહ્યા હતા. આથમતા સૂર્યનું સૌન્દર્ય માણવામાં અમે મશગૂલ હતા ને અચાનક બાઈકમાં પંક્ચર પડવાને કારણે અમારા રંગમાં ભંગ પડ્યો. જલગાર ગામથી અમે ત્રણેક કિલોમીટર દૂર હતા ને બાલાશિનોર તો ક્યાંયે છેટું હતું. અજાણ્યા ગામની સીમમાં અંધારાના ઓળા અમારા માથા પર ઝઝૂમી રહ્યા હતા ને ભય અમને ઘેરી વળ્યો હતો.
બરોબર એજ સમયે અમારી પાછળ પચાસ ડગલા દૂર એક બાઈક સવારને પણ અમારા જેવો જ પ્રશ્ન નડ્યો. નસીબ અમારું એટલું પાધરું કે એજ ગામના એ રહેવાસી હતા. એમનું નામ યાસીનભાઈ. ફોન કરીને તાત્કાલિક એમના સબંધી સિરાજને પંપ લઈને બોલાવ્યો. હવા પૂરી જોઈ પણ ના ટકી. તરત જ બંને જણ ગામમાં ગયા ને પંક્ચર રીપેર કરનારને બોલાવી લાવ્યા. વ્હીલ કાઢીને લઇ ગયા ને માત્ર દસ જ મીનીટમાં પંક્ચર બનાવીને પાછા આવ્યા. મને સમજાતું નહોતું કે અમારી વચ્ચે એવો તો કયો ઋણાનુબંધ હતો કે એ બધાયે અમારે માટે આટલી બધી મહેનત કરી રહ્યા હતા.
એ સાંજે યાસીનભાઈ અને સિરાજ નામના એ ફરિશ્તાઓ અમને ના મળ્યા હોત તો ખુદા જાણે અમારી સ્થિતિ શું થઇ હોત !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો