26 જૂન, 2013

હજીયે એ એવા ને એવા કડેધડે છે.

સમયના વહેણની થપાટો શરીર પર વરતાતી હોવા છતાંએ બાપુજી અડસઠમાં વર્ષે પણ હજીયે એવા ને એવા કડેધડે છે ને પત્ની, બે દીકરાઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહેવાનો વૈભવ માણી રહ્યા છે. ત્રણત્રણ વાર પક્ષાઘાતના હુમલાઓ પછી પણ એ હરખભેર જીવનને માણે છે એમાં મેડીકલ સાયન્સની પ્રગતિ ઉપરાંત એમના મનની તાકાતના અણસારા પણ વરતાય છે.

છૂટી જીભ ને મે'તરગીરીની સાથેસાથે મધુપ્રમેહ અને બ્લડપ્રેશર પણ એમને વારસામાં જ મળ્યા છે. ઘરમાં એ 'બોસ' છે ને કુંટુંબમાં મોભી છે. પાંચમાં એ પૂછાય છે કારણ સ્વભાવ મળતાવડો છે ને સામાજિક વ્યવહારોની સૂઝબૂઝ એમને હૈયે ને હોઠે છે. પંચમાં બેઠા હોય ત્યારે એમનો વટ જોવા જેવો ખરો ! વાંકું પડે તો કોઈનીય સાડાબારી રાખ્યા વિના સામેવાળાને રોકડું પરખાવી દેતાં એ  જરાય અચકાય નહિ.

હરવા ફરવાનું બિલકુલ ઓછુ થઇ ગયું છે  છતાં ફરવા જવાના એમના અભરખાઓ એ "ફોક્ષ ટ્રાવેલર્સ" જેવી ટીવી સીરીયલો જોઇને પૂરા કરે છે. અસરગ્રસ્ત જમણા હાથને કારણે જમવાનું બનાવવાનો શોખ પુત્રવધુને અમૂલ્ય ટીપ્સ આપીઆપીને પૂરો કરે છે. ટીવી અને લેન્ડલાઈનનું એમને ભારે વળગણ છે. કોઈ વિદ્યાર્થી, શિક્ષક કે આચાર્યનો એક ફોન એમને હરખપદુડા કરી મેલવા માટે પૂરતા છે. સ્મરણશક્તિ તેજ હોવાને કારણે ભૂતકાળના સંસ્મરણોને એ દિવસો સુધી વાગોળ્યા કરે છે.

અમને એ સાંભળે છે ને અમારી વિચારસરણીને માન આપીને સ્વતંત્ર નિર્ણયો લેવાની છૂટ આપે છે. અમારા સાહસોમાં દખલગીરી કરવા કરતાં અમને ટેકો કરવાનું એમને વધારે ગમે છે.

અમારે માટે એ બાપુજી કરતાં ભાઈબંધ જેવા વધારે છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...