એક રૂપકડી ચાઇનીઝ છત્રી ખરીદી. રંગ અને ફિનીશીંગ એવાં આકર્ષક કે જોતાવેંત ગમી જાય. અલબત, ચાઇનીઝ ચીજવસ્તુઓની ગુણવતા વિશે એમ કહેવાય છે કે "ચલે તો ચાંદ તક નહિ તો શામ તક". મારા નસીબમાં 'શામ તક વાળો ભાગ' આવ્યો ને વરસાદનું પહેલું રાઉન્ડ પૂરું થાય એ પહેલાં તો છત્રી કાગડો થઇ ગઈ. વાંધો નહિ એ બહાને છેલ્લા વીસ વરસથી રેલ્વે કોલોનીમાંબેસીને જોડા સાંધી આપતા, બેગ રીપેર કરી આપતા ને સીઝનમાં છત્રી પર હાથ અજમાવતા ઓલરાઉન્ડર મોચી સાથે મુલાકાત થઇ. છત્રીની હાલત જોતા એને મૂળ હાલતમાં પાછી લાવવા વિશે મને શંકા હતી પણ
મોચીએ પારખું નજર માંડીને તરત જ કહી દીધું;"પાંચ મિનીટ આપો. કામ થઇ જશે."
એમણે છત્રીનું માથું ઉઘાડ્યું ને વાતચીતને ઈરાદે મેં એમનું નામ પૂછ્યું.
"ખુશાલ" ખુશખુશાલ થતા એમણે જવાબ આપ્યો ને પછી વાતચીતનો દોર એમના હાથમાં લઇ લીધો.
"આ મારો બાપીકો ધંધો છે. કણજરીમાં અમારા એશી ઘર છે એમાંથી માત્ર ચાર જાણે આ ધંધો હાથમાં લીધો છે ને બાકીના વૈતરું કરવા જાય છે. એમાંય છત્રી રીપેર કરવાનું કામ તો એક જ જણને આવડે ને એ છે આ ખુશાલ બંદો. કારણ છત્રી રીપેર કરવા પણ મગજ તો જોઈએ જ ને !
વાતો પૂરી થાય એ પહેલા તો છત્રીનો તૂટેલો મોગરો કાઢીને નવો નાખી દીધો ને ચીવટપૂર્વક સિલાઈ કર્યા પછી છત્રીને એમણે મારા હાથમાં મૂકતા કહ્યું ;"વીસ રૂપિયા આપવાના."
ચીવટપૂર્વકનું કામ જોઇને મેં ખુશ થઈને વીસ વીસની બે નોટ એમના હાથમાં મૂકી. એમાંની એક નોટ પાછી આપતા એમણે મને કહ્યું ;"માફ કરજો સાહેબ, જેટલું કામ કર્યું હોય એટલા જ પૈસા લેવાના. હા, કોઈ જરૂરિયાતમંદ હોય તો રીપેરીંગ મફતમાં કરી આપું બાકી ગ્રાહક ગમે તેટલો પૈસાદાર કેમ ન હોય એક રૂપિયો પણ વધારે ન લઉં!"
એમની નીતિ , નિષ્ઠા ને ચીવટતાને હું મનોમન વંદી રહ્યો ને બાઈકની કીક મારતા મારતા બોલ્યો ;" દોસ્ત ખુશાલ, તમારી પાસે માત્ર મગજ નહિ બલ્કે વિશાળ દિલ પણ છે ."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો