ઇસુસંઘીઓની સંગાથે રહ્યા પછી ગુજરાતી સાહિત્યના રંગે રંગાયો ને પછી બાપુના સાહિત્યને અવિરત વાંચવાનું શરુ કર્યું. એ જ સમય દરમિયાન જયારે જયારે રજાઓમાં ઘરે આવું ત્યારે ત્યારે અચૂક બાપુની મુલાકાત લઉં. આવી જ એક અંગત મુલાકાતમાં મેં બાપુને શરમાતા શરમાતા ઉપરોક્ત વાક્યમાં મારા મનનો ભાવ વર્ણવી દીધો. બાપુ મારી સામે ઘડીક તાકી રહ્યા ને પછી મરક મરક હસવા માંડ્યા. હું ગભરાયો. મનમાં થયું કે બાપુ આગળ બોલવામાં ક્યાંક કાચું તો નથી કપાયું ને !
"તને રડવું આવે તો તું શું કર ?" થોડી વાર પછી બાપુએ મને પ્રશ્ન પૂછવાનું શરુ કર્યું.
"રડવા માંડું." દિલ પર હાથ રાખીને મેં જવાબ આપ્યો.
"અને હસવું આવે તો ?"
"ખડખડાટ હસુ." બોલતા બોલતા મેં હસવાનું શરુ કર્યું.
તો પછી હવે વિચારો શાના કરે છે. ચોટલી બાંધીને લખવા બેસી જા. જે વિચાર આવે એ લખ અને મનમાં ગાંઠ વાળ કે લખવાનું ક્યારેય નેવે મેલીશ નહિ.
કાશ, બારેક વર્ષ પહેલાં આપેલી એમની એ શિખામણને મેં ગાંઠે બાંધી હોત તો ! ખેર, દેર સે આયે દુરસ્ત આયે. યોગાનુયોગ તો જુઓ સોશિયલ મિડિયા પર સક્રિય થયા પછી મેં ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી બાપુને શ્રદ્ધાંજલિ આપતા એક નાનકડા લખાણથી. એ ઘડી ને આજનો દા'ડો ત્યાર પછી પાછા વાળીને મેં ક્યારેય જોયું નથી ને લખતા લખતા આવા લગભગ છપ્પન કરતાં વધારે નાના લખાણો લખ્યા છે.
નાના અને ટચૂકડા ભલે રહ્યા આ લખાણો - સર્જક તરીકે આ લખાણો મને અપાર આનંદ અને સંતોષ આપે છે જાણે મારે માટે એ છપ્પન ભોગનો થાળ ન હોય !
શરૂઆતમાં આ લખાણોના સંકલનને મેં નામ આપ્યું હતું;"રખડવાનો આનંદ" અને એને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખ્યું હતું જેમ કે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ, ઘર અને કુંટુંબ, લગ્ન જીવન, પાનો ચઢે એવી વાતો અને માનવતાનું ગાન વગેરે વગેરે. પરંતુ આજે જયારે આ બધાને એકસાથે એક સંપુટ તરીકે નિહાળું છું ત્યારે લાગે છે કે આ તો મારા 'મનની મિરાત' છે.
મિરાત એટલે મૂડી, દોલત કે ખજાનો. આમ જુઓ તો આ પણ ખજાનો જ છે ને ! ખજાનો મારી યાદોનો, સંસ્મરણોનો ને મારા અવિસ્મરણીય અનુભવોનો !
આ વેળાએ બાપુને હું વંદન કરું છું. મારી સંગિની, તથ્ય ને મારા કુટુંબીજનોને ખાસ યાદ કરું છું કે જેઓ મને લખવા માટે સતત પ્રેરણા ને પ્રોત્સાહન આપતા રહ્યા છે. ટેકનોસેવી દોસ્ત સિદ્ધરાજ સોલંકીને ખાસ યાદ કરું છું કે જેણે મને ટેકનીકલ માહિતી પૂરી પાડીને 'બ્લોગ્સ' લખવાનું મોંઘેરું સૂચન કર્યું.
અંતમાં, આપસહુ મિત્રોના સથવારા વગર આ સફર અધૂરી ને અપૂર્ણ જ રહી હોત !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો