વહેલી સવારે ઉઠતાંવેંત તમે ઠંડાગાર વાતાવરણનો અનુભવ કરો છો. આથી નાખુશ થઈને બ્રશ કરતી વેળાએ અરીસા સામે તમારી જાતને નિહાળીને તમે વિચારવાનું શરૂ કરો છો; "સાલો, આજનો દિવસ જ બેકાર છે. આ ઠંડા વાતવરણ ને લીધે મારી કારનું એન્જીન પણ ઠંડુ પડી ગયું હશે. એને ચાલુ કરવા માટે ધક્કા તો મારવા જ પડશે. હા, પણ ધક્કા મારશે કોણ ? મારા પડોશીઓ તો બધા નકામા અને કામચોર છે."
ઘરમાં પહોંચીને રેડીયો શરૂ કરતાં જ તમને ટ્રાફિકની મોકાણના સમાચાર મળે છે ને તમારું મગજ ચક્કરભમ્મર ઘૂમવા માંડે છે; "જેમતેમ કરીને કારને તો ચાલુ કરીશ પણ, શહેરમાં ટ્રાફિક વધારે હોવાને કારણે આજે ઓફિસ મોડુ જ પહોંચાશે. મોડો પડીશ એટલે 'બોસ'ની ડાંટ ખાવી પડશે ને એને લીધે કામમાં પણ ભલેવાર નહિ જ આવે. અને હા, આવતી વેળાએ ચા ને ખાંડ બંને યાદ કરીને લાવવાના છે. જો લાવવાનું ભૂલી ગયો તો ચા પીધા વગર આજની સાંજ પણ બગડવાની જ. સાલો, આજનો દિવસ જ બેકાર અને નકામો છે."
એક પ્રયોગમાં, ત્રણ સરખા બીજને એકદમ સરખા વાતાવરણમાં એટલે કે એકસરખું ખાતરપાણી અને સુર્યપ્રકાશ મળે એ રીતે રોપવામાં આવ્યા. ત્યારપછી દરેકની સાથે એકદમ અલગ રીતે વાતો કરવામાં આવી. પ્રથમ બીજને કહેવામાં આવ્યું કે;"તું ક્યારેય સારો છોડ બની શકીશ નહિ, કારણ તારું વાવેતર જ બરોબર કરવામાં આવ્યું નથી."
બીજાને કહેવામાં આવ્યું કે;"તારો વિકાસ પણ બીજા બધા છોડની જેમ સાધારણ જ થવાનો છે."
ત્રીજાને કહેવામાં આવ્યું કે;" તારું એક સુંદર અને અદભૂત છોડમાં રૂપાંતર થશે, કારણ તને ખૂબ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતથી રોપવામાં આવ્યો છે."
પ્રયોગને અંતે જાણવા મળ્યું કે પહેલો છોડ વિકસ્યો જ નહિ, બીજાનો સાધારણ વિકાસ થયો જયારે ત્રીજો છોડ સુંદર અને અદભુત રીતે વિકસ્યો.
તમે જે વિચારો છો એનો જ પડઘો તમારા કાર્યોમાં પડે છે. તમે દિવસની શરૂઆત નકારાત્મક વિચારોથી કરો અને પછી દિવસ સુંદર અને મજાનો જાય એ શક્ય બનવાનું નથી આથી જ વિચારોને હકારાત્મક ઓપ આપવો જ રહ્યો. ઉપરના વિચારોને આપણે નીચે મુજબ વિચારીને દિવસને સુંદર અને મજાનો બનાવી શકીએ.
"આહાહા ! આજે કેવું ફૂલગલાબી અને ખુશનુમા વાતાવરણ છે! મારી કારનું એન્જીન ઠંડુ પડી ગયું હોવા છતાં ચાલુ થશે અને નહિ ચાલુ થાય તોય મારા પાડોશીઓ કેવા મદદરૂપ છે ! તેઓ મને ચોક્કસ મદદ કરશે. ટ્રાફિક વધારે છે તો વાંધો નહિ, ઘરેથી થોડો વહેલો નીકળીને સમયસર ઓફીસ પહોંચીશ એટલે 'બોસ' પણ ખુશ થશે ને આમ આખો દિવસ હું પણ ખુશ રહીને કાર્યદક્ષતાથી મારું કામ પૂરું કરીશ અને હા, આવતી વખતે ચા ને ખાંડ લાવવાનું મને અચૂક યાદ રહેશે. કદાચ નહિ યાદ રહે તો પણ થોડી ખાંડ અને કોફી તો ઘરમાં છે જ ને ! આજનો દિવસ કોફીનો આસ્વાદ માણીશ. આમ મારો આજનો દિવસ સુંદર અને અદભૂત બની રહેશે."
કહેવાની જરૂર નથી કે તમારા વિચારોનો પડઘો તમારા જીવનમાં પડ્યા વિના રહેવાનો નથી.
(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો