28 જાન્યુ, 2014

અરે, આ તો મારા હાથની વાત છે.

તમારા જીવનના સૌપ્રથમ ઇન્ટરવ્યુમાં સમયસર પહોંચી શકાય એટલા માટે તમે શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ઘરેથી વેળાસર નીકળ્યા છો. પરંતુ રસ્તામાં અકસ્માત થવાને કારણે તમે અધવચ્ચે જ ફસાઈ જાઓ છો અને ટ્રાફિક શરૂ થયા પછી તમારા સમયસર પહોંચવાની કોઈ શક્યતા જણાતી નથી. આથી તમે નિરાશ થઇ જાઓ છો અને 'મારી સાથે જ કેમ આમ થાય છે' એમ મનોમન બોલીને તમારી જાતને કોસવા માંડો છો.

સાંજના સમયે તમારા પતિ ઘરે આવે ત્યારે ઘરમાં શાંતિ અને નિરાંત હોય એમ ઈચ્છે છે પરંતુ એ આવે છે ત્યારે જ તમારા બંને બાળકો મસ્તીએ ચઢીને ઘમાસાણ મચાવી દે છે આથી તમારા પતિ "અરે, બે ઘડી પણ તું આમને સાચવી શકતી નથી" એમ કહીને તમારા પર ખૂબ ગુસ્સે થઇ જાય છે.

તમારી ઓફિસમાં તમે એક અગત્યનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે મથી રહ્યા છો પરંતુ એક યા બીજા કારણોસર તમારો પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક અટવાયા કરે છે. સ્વાભાવિક રીતે જ દોષનો ટોપલો તમે અન્ય સાથીઓ પર ઢોળવાનો પ્રયત્ન કરો છો.

ઉપરોક્ત ત્રણ કિસ્સાઓની જેમ જીવનમાં એવી ઘણી બાબતો બનતી હોય છે જેમની ઉપર આપણો  કોઈ કાબૂ હોતો નથી. અને આવે સમયે મોટેભાગે આપણે કાં તો નસીબને દોષ દઈને પરિસ્થિતિને સ્વીકારી લઈએ છીએ અથવા તો દોષનો ટોપલો બીજાની ઉપર ઢાળી દઈએ છીએ. આવે સમયે નિરાશ થવાને બદલે આપણે આપણો અભિગમ બદલીને સૌપ્રથમ તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ. બીજું, બીજા ઉપર દોષ ઢાળવાને બદલે એના ઉપાયો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને છેલ્લે પરિસ્થિતિ પ્રમાણે પ્રતિભાવ આપતા રહેવું જોઈએ. 

આમ, પહેલા કિસ્સામાં સમયસર નથી પહોંચી શકવાના એમ સમજાય કે તરત જ ઇન્ટરવ્યુ લેનારને ફોન કરીને માહિતગાર કરી દેવા જોઈએ અને સમયમાં કોઈ ફેરફાર થઇ શકે એમ છે કે નહિ એની શક્યતા તપાસવી જોઈએ. બીજા કિસ્સામાં, પત્નીએ પતિ આવે એ પહેલા બાળકોને બીજા ઓરડામાં રમવા મોકલી દેવા જોઈએ અને છેલ્લા કિસ્સામાં સાથી કર્મચારીઓને સાંભળવા જોઈએ અને સાથે મળીને કેવી રીતે પ્રોજેક્ટને પૂરો કરી શકાય એનો વિચાર કરવો જોઈએ.

(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...