2 ફેબ્રુ, 2014

હું તમને ઓળખી ના શક્યો.


પક્ષીદર્શન અને નિરીક્ષણ માટે બાળકોને લઈને વહેલી પરોઢે સાડાચાર વાગે નીકળવાનું આયોજન હતું. આગલે દિવસે સાંજે ગાડીનો ડ્રાઈવર સમયસર પહોંચશે કે કેમ એની ચિંતામાં હું હતો ને એમનો ફોન સામેથી આવ્યો.; "સાહેબ, મારું નામ દેવજીભાઈ. આવતીકાલે હું તમારી સાથે આવવાનો છું. ચિંતા કરશો નહિ તમે જણાવશો એ સમયે હું વેળાસર પહોંચી જઈશ."
"જુઓ દેવજીભાઈ, ચાવડાપુરાથી આપણે સાડા ચારે નીકળવાનું છે એટલે તમે મારા ઘરે પોણાચાર વાગ્યે પહોંચી જજો." મેં મારી ચિંતા રજૂ કરી.
મારા સુખદ આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે સવારે પોણાચાર વાગ્યે ફોન આવ્યો;"સાહેબ, હું પુષ્પવિહાર આગળ ઉભો છું."

વહેલી સવારે ટ્યૂબલાઈટના ઝાંખા પ્રકાશમાં દૂરથી મેં એમને ગાડી આગળ બીડી ફૂંકતા જોયા. કાનમાં ચાંદીની કડી, ઓળ્યા વગરના અસ્તવ્યસ્ત વાળ, ચોળાયેલા કપડાં ને પગમાં સફેદ ચંપલ - આવો લઘરવઘર દેખાવ જોઇને હું તરત જ મનોમન બબડ્યો;"ચોક્કસ આજે અમારો દિવસ બગડવાનો છે. આ માણસ લબાડ લાગે છે."

"આવો સાહેબ, ગુડ મોનીંગ." દરવાજો ઉઘાડીને એમણે મને ભાવથી આવકાર્યો. હું ભોંઠો પડ્યો.
"સાહેબ, આપણે કયા રસ્તે અમદાવાદ જવાનું છે ?" બાળકો આવી ગયા પછી બસ અને જીપમાં અમારો કાફલો અમદાવાદ ભણી રવાના થયો પછી એમણે મને અપેક્ષિત પ્રશ્ન પૂછ્યો.
"જુઓ દેવજીભાઈ, આપણે પેલી બસને અનુસરવાનું છે જેથી આપણે બધા સાથે રહીએ." મેં જવાબ આપ્યો.
બસ કરતાં ઝડપથી આગળ જઈ શકાય એમ હોવા છતાં દેવજીભાઈ  નિરાંતે એકધારી ઝડપે ગાડી ચલાવતા રહ્યા ને અમે કોઈપણ મુશ્કેલી વગર થોળ પહોંચી ગયા.

સરોવરની પ્રદક્ષિણા કર્યા પછી અમે થાકેલા પાકેલા પાછા આવ્યા ત્યારે દેવજીભાઈ રસોઈયાને યથાશક્તિ મદદ કરી રહ્યા હતા. જમ્યા પછી એમની સાથે વાત કરવાની તક મળી. એમની મૃદુ ભાષા, મળતાવડો સ્વભાવ અને મદદરૂપ થવાની ભાવનાથી હું તો આભો જ બની ગયો. સાંજે ચાવડાપુરા પાછા વળ્યા પછી અમને સ્ટેશન સુધી મૂકવા આવવાનું સૌજન્ય એ ન ચૂક્યા. અને જતાં જતાં અમને કહેતા ગયા;"સાહેબ, મારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજો."

એક્સીલેટર પર પગ દબાવીને એમણે તો ગાડી દોડાવી મૂકી ને મારે જે કહેવાનું હતું એ મનમાં ને મનમાં જ રહી ગયું;"દેવજીભાઈ, ભૂલ તમારી નહિ બલ્કે મારી થઇ છે. બની શકે તો મને માફ કરજો કારણ, હું તમને ઓળખી ના શક્યો."

(નોધ : નામ બદલ્યું છે.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...