"આજે આપણે રમેશને આવજો કહેવા માટે ભેગા નથી થયા પરંતુ રમેશ આપણને આવજો કહી રહ્યો છે અને જતાં જતાં આપણી પાસે કેટલીક અપેક્ષાઓ રાખી રહ્યો છે" સ્વ. શ્રી રમેશભાઈ વાઘેલાની અંતિમવિધિમાં આદરણીય પ્રોવિન્શિયલ ફા. ફ્રાન્સિસ પરમારે પોતાની હૃદયસ્પર્શી વાતમાં રમેશભાઈ સાથેના સંસ્મરણો યાદ કરતા કહ્યું હતું અને પોતાની વાતને આગળ વધાવતા ભૂતકાળની ભાવવાહી ક્ષણોને વહેતી મૂકી હતી;
શક્તિનો મહત્તમ ઉપયોગ :
સેંટ ઝેવિયર્સ શાળામાં અગિયારમાં ધોરણમાં અમીન સાહેબે ગણિતના ખાસ વર્ગો શરૂ કર્યા હતા. પહેલી જ પરીક્ષામાં રમેશે ધોળકું ધોળ્યું હતું ત્યારે અમીન સાહેબે એને પ્રેમથી સમજાવતા કહેલું કે ;"ભાઈ રહેવા દે. આ તારા હાથની વાત નથી." એમ હાર મને તો એ રમેશ શાનો? "એ ક્યારેય નહિ બને. આ વિષયમાં હું સૌથી વધારે માર્ક્સ લાવીને જ જંપીશ." કહેવાની જરૂર નથી કે બીજી પરીક્ષામાં 94 માર્ક્સ લાવીને રમેશે પોતાના શબ્દોને યથાર્થ ઠેરવ્યા હતા.
એની આ ભાવના એવી તો પ્રબળ કે સાઈઠના દાયકામાં એ ઇસુસંઘમાં જોડાઈ ગયો. અલબત, ઈશ્વરની યોજના કંઈક જુદી હતી. કોઈ વાંધો નહિ. એની આ ભાવના તો ઉતરોત્તર બળવત્તર બનતી ચાલી. અજાણ્યાની સામે લાંબો કરેલો હાથ ક્યારેય પાછો ન હઠે. અડધી રાતેય કોઈને જરૂર પડે તો એને મોઢેથી ક્યારેય ના સાંભળવા ના મળે.
સત્ય અને ન્યાય ખાતર લડી લેવાની હિંમત:
એ વાત તો જગ જાણીતી છે કે જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. પણ ખૂબ ઓછા એ વાતને જાણે છે કે એ તો અસત્ય અને જુઠાણાઓ સામે લડવાનું પરિણામ હતું. બીજો કોઈ હોત તો નમતું મેલી દીધું હોત. પણ રમેશ છેવટ સુધી ઝઝૂમતો રહ્યો ને છેવટે સત્યની જીત થઇ. બાઇજ્જત એમની સામેના ખોટા આરોપોને પાછા ખેંચવામાં આવ્યા.
રમેશની આ અપેક્ષાઓને ખોંખારો દઈને હોંકારો ભણવો એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો